વડોદરા 

ડભોઈરોડ પર આવેલા હરિભક્તિ એસ્ટેટની કમિટિ મેમ્બરે તાજેતરમાં એસ્ટેટ થયેલી પેવર બ્લોકની કામગીરીની નિરક્ષણ કરી એક પ્લોટ પાસે ઉખાડી નાખેલા પેવરબ્લોકના ફોટા એસ્ટેટના વોટ્‌સએપ ગ્રુપમાં મોકલતા જ પુર્વ મંત્રી પર પ્લોટમાલિક તેમજ તેમના પુત્ર અને પૈાત્ર સહિત ચાર જણાએ હુમલો કરી ફેંટો મારી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવની વાડી પોલીસે તપાસ શરૂ કરી છે.

વાઘોડિયારોડ પર કલાદર્શનચોકડી પાસે તપોવન ડુપ્લેકસમાં રહેતા તૃષારભાઈ અરવિંદકુમાર રાણા ડભોઈરોડ પર હરિભક્તિ એસ્ટેટમાં ગણેશ ઈલેકટ્રીકલ નામની દુકાન ધરાવે છે. તેમના એસ્ટેટની કમિટીમાં તે ગત જુન માસ સુધી મંત્રી પદે હતા અને હાલમાં તે કમિટિ મેમ્બર તરીકે સેવા આવે છે. એસ્ટેટની કમિટી દ્વારા એસ્ટેટમાં પેવર બ્લોક નાખી રસ્તાનું કામકાજ કરાયું હતું. ગત બપોરે તૃષારભાઈ તેમજ હાલના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ એસ્ટેટમાં થયેલા પેવરબ્લોકનું કામકાજ અને સફાઈકામના નિરિક્ષણ માટે નીકળ્યા હતા જેમાં એસ્ટેટમાં પ્લોટ-૧૯ પાસે પેવરબ્લોક ઉખેડી નાખ્યા હોવાનું નજરે ચઢતા તેમણે તેના ફોટા પાડીને એસ્ટેટના વોટ્‌સઅપ ગ્રુપમાં મુક્યા હતા.

તે ફોટા મુકી આગળની ગલીમાં જતા જ ત્યાં એસ્ટેટમાં પ્લોટ ધરાવતા નગીનભાઈ બળદેવભાઈ પટેલ તેમજ તેમનો પુત્ર મયુર, પૈાત્ર હર્ષ તેમજ મયુરભાઈનો જમાઈ ભાવિક ઉર્ફ પીન્ટો ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ તૃષારભાઈને અપશબ્દો બોલી ‘ તારી શું હેસિયત કે તે ફોટા પાડી વોટ્‌સઅપ ગ્રૃપમાં મુક્યા છે ’ તેમ કહીને તેમની પર હુમલો કર્યો હતો. તેઓએ આને બહુ જ ચરબી છે અને પુરો જ કરી દો તેમ કહીને ફેટ પકડી મોંઢા પર ફેંટો મારી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની તૃષારભાઈએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નગીનભાઈ પટેલ તેમજ તેમના પુત્ર, પૈાત્ર અને જમાઈ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.