ડાન્સ એકેડેમીના માલિકે કર્મચારીના દસ્તાવેજાે પર રૂપિયા૧.૫ કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   1089

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ‘બેનિફિટ ફિલ્મ એકેડમી’ના સંચાલક દંપતીએ પોતાના જ પૂર્વ કર્મચારી સાથે વિશ્વાસઘાત કરી કરોડોના નાણાકીય વ્યવહારો કર્યા હોવાની સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ છે.સંચાલકોએ કર્મચારીના પાન કાર્ડનો દુરુપયોગ કરી ૧.૫ કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો કર્યા હતા, જેનો ભાંડો કર્મચારીને ૧.૬૨ કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ મળતા ફૂટ્યો હતો.

મૂળ શિલજ વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય પંકજભાઈ કાંતિભાઈ પટેલે નવરંગપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૮ દરમિયાન ગિરીશ કોલ્ડ્રિંક્સ પાસે આવેલા રુદ્ર કોમ્પ્લેક્સમાં સ્થિત ‘બેનિફિટ ફિલ્મ એકેડમી’માં ડાન્સ અને કોરિયોગ્રાફીનું કામ કરતા હતા.આ દરમિયાન સંચાલક ભરત પ્રાણલાલ પોપટ અને તેમના પત્ની હર્ષાબેને પંકજભાઈ પાસેથી તેમના પાન કાર્ડ અને અન્ય પુરાવાઓ મેળવ્યા હતા.જાેકે, પંકજભાઈએ ૨૦૦૮માં નોકરી છોડી દીધા બાદ પણ આરોપીઓએ આ દસ્તાવેજાેનો ગેરકાયદેસર ઉપયોગ ચાલુ રાખ્યો હતો.આરોપી દંપતીએ પંકજભાઈની જાણ બહાર સોશિયલ કો-ઓપરેટિવ બેંકની જાેધપુર બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતું અને વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન તેમાં અંદાજે ૧.૫ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.૨૦૧૮માં જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે પંકજભાઈને ૧,૬૨,૦૦,૦૦૦ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ ફટકારી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા.બેંકમાં તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના નામે બેનામી ખાતા ચાલે છે અને તેમાં મોટાપાયે નાણાકીય હેરફેર કરવામાં આવી છે.આ મામલે ભરત પોપટે લેખિતમાં બાંહેધરી આપી તમામ જવાબદારી સ્વીકારતું નોટરાઈઝ એફિડેવિટ પણ કરી આપ્યું હતું, પરંતુ આજદિન સુધી ટેક્સની નોટિસનું કોઈ નિરાકરણ ન આવતા અંતે પંકજભાઈએ ફરિયાદ નોંધાવી છે.નવરંગપુરા પોલીસે ભરત અને હર્ષા પોપટ વિરુદ્ધ આઈ.પી.સી ૪૦૬ મુજબ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution