વડોદરા, તા. ૨૮
રેસકોર્સ વિસ્તારમાં હરિભક્તિ કોલોની પાસેના મેદાનમાં ત્રણ દિવસ અગાઉ ભાજપા કાર્યકર સચિન ઠક્કર અને તેમના ભાઈને બેઝબોલ સ્ટીકના ફટકા મારી તે પૈકીના સચિનની ક્રુર હત્યા કરવાના બનાવના લાઈવ વીડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. પ્રોફેશ્નલ હત્યારાની જેમ હુમલાખોરોએ સચિન ઠક્કર અને તેમના ભાઈને માથામાં બેઝબોલ સ્ટીકના ફટકા મારતા બંને ભાઈઓ બેભાન થઈ રોડ પર ફસડાઈ પડ્યા હતા છતાં હુમલાખોરો બંને ભાઈઓને નિર્દયતાપુર્વક પેટ અને પગમાં ફટકા માર્યા હોવાનું વીડિયોમાં દેખાતું હોઈ આ હત્યા પાછળ માત્ર પાર્કિંગની તકરાર જ કારણભુત છે કે કેમ ? તે અંગે પણ પ્રશ્નાર્થો સર્જાયા છે. આ બનાવમાં ગોત્રી પોલીસે મુખ્ય આરોપી પાર્થ પરીખ સહિતના ત્રણેય હત્યારાઓની આજે ધરપકડ કરી તેઓને આવતીકાલે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
દિવાળીપુરા વિસ્તારની સુક્રુતિનગરમાં રહેતા ૪૫ વર્ષીય ભાજપા કાર્યકર સચિન નવીનચંદ્ર ઠક્કર અને ભરુચમાં આમોદ ખાતે દેસાઈ ફળિયામાં રહેતા મામાના પુત્ર પ્રિતેશ દિપક ઠક્કર પર ગત ૨૫મી તારીખના રાત્રે રેસકોર્સ પાસે ર્મિચમસાલાની ગલીમાં હરિભક્તિ કોલોની સ્થિત ગંગોત્રી એપાર્ટમેન્ટની બહાર મેદાનમાં હિંસક હુમલો કરાયો હતો. આ હુમલામાં સચિન ઠક્કરનું ગઈ કાલે મોત નિપજ્તા ગોત્રી પોલીસે હત્યાના ગુનામાં પાર્થ બાબુલ પરીખ, વાસીક ઉર્ફ સાહિલ ઈકબાલ અજમેરી અને વિકાસ પરષોત્તમ લોહાણાને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓના કોરોના ટેસ્ટ બાદ આજે ધરપકડ કરાઈ હતી. આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી બેઝબોલની સ્ટીક અને વાહનો કબજે કરવાના બાકી હોઈ અને હત્યાનું ખરેખરમાં કારણ શું છે ? તેની તપાસ કરી ત્રણેયની સધન પુછપરછ કરવાની બાકી હોઈ આવતીકાલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે તેમ ઝોન-૨ના ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું.
બીજીતરફ આ ચકચારભર્યા બનાવમાં સચિન અને પ્રિતેશ પર રાત્રે મેદાનમાં હુમલો થયો તેનું કોઈએ મોબાઈલથી લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું જે હુમલાની ક્લિપ આજે સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં જ ભારે ચકચાર મચી હતી . આ વાઈરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે સચિન અને પ્રિતેશ સાથે વધુ કોઈ બોલાચાલી કે ઝપાઝપી કરવાના બદલે સાહિલ અજમેરી અને વિકાસ લોહાણા બંને ભાઈઓ પર બેઝબોલની સ્ટીક લઈ તૂટી પડ્યા હતા.
પ્રોફેશ્નલ કિલર્સની જેમ હત્યા કરવાના ઈરાદે જ તેઓએ બંને ભાઈઓના હાથ-પગ પર ફટકા મારવાના બદલે બંને ભાઈઓના માથામાં ઝનુનભેર માત્ર ત્રણથી ચાર ફટકા માર્યા હતાં જેમાં બંને ભાઈઓ ગણતરીની સેકન્ડમાં લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ મેદાનમાં ફસડાઈ પડ્યા હતા. જાેકે બંને ભાઈઓ બેભાન હોવા છતાં બંને હુમલાખોરોએ તેઓના હાથ-પગ અને પેટમાં બેઝબોલના સ્ટીકના ફટકા મારવાનું ચાલું રાખ્યું હતુ.
આ દરમિયાન પાર્થ પરીખ પણ ત્યાં હાફપેન્ટ પહેરીને દોડી આવ્યો હતો અને મેદાનમાં ઉભેલી બે કાર તરફ જાેઈને બુમ પાડતા સાહિલ અને વિકાસ કારની તરફ દોડી ગયા હતા. જાેકે કારની અંદર બેઠેલા લોકો પર તેઓ હુમલો કરે તે અગાઉ બંને કાર ત્યાંથી પુરઝડપે ફરાર થઈ હતી. આ વીડિયો ક્લિપ ગોત્રી પોલીસને પણ મળી છે અને પોલીસે આ ક્લિપ તેમજ આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજની પણ ચકાસણી શરુ કરી છે.
હુમલાનો વીડિયો વાયરલ ઈરાદાપૂર્વક કરાયો છે ?
સચિન ઠક્કરની હત્યાના લાઈવ વિડીઓ તેમના અવસાન બાદ આરોપીઓની ધરપકડ થતાં જ વાયરલ થયો છે જે અંગે પણ અનેક શંકાઓ સેવાઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સચિન અને પ્રિતેશ પર માત્ર સાહિલ અને વિકાસે હુમલો કરી બેઝબોલ સ્ટીકના ફટકા માર્યા છે. આ બંને ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યા બાદ પાર્થ પરીખ ત્યાં હાફપેન્ટ પહેરીને દોડતો આવતો દેખાય છે. હત્યાના ગુનામાં પાર્થની પણ ધરપકડ થતાં તે હત્યાના ગુનામાં સંડોવાયેલો નથી તેવું સાબિત કરવા માટે તો આ વીડિયો વાયરલ કરાયો નથી ને ? તે પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.
ગંગોત્રી એપા.માં પાર્થની માતા સાથે બોલાચાલી થતાં મામલો બિચક્યો
આ બનાવની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી પર આવી છે કે પાર્થ સામે અરજી થતાં ગોત્રી પોલીસ તેને ફોન કરીને પોલીસ મથકમાં બોલાવતી હતી પરંતું તે પોલીસને વાયદા કરી ગોળગોળ ફેરવતો હતો. આ દરમિયાન ૨૫મી તારીખની રાત્રે સચિન અને પ્રિતેશ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં માતા સાથે રહેતા પાર્થ પરીખના ઘરે ગયા હતા. ઘરમાં હાજર પાર્થની માતા સાથે તેઓએ ઉગ્ર બોલાચાલી કરતા માતાએ ફોન કરતા પાર્થ ઘરે દોડી આવ્યો હતો જયાં પાર્થ સાથે પણ તેઓની બોલાચાલી થઈ હતી.
સાહિલ અને વિકાસને પાર્થે ફોન કરીને બોલાવ્યા હતા
પાર્થના ઘરે સચિન અને પ્રિતેશે જઈને માતા સાથે બોલાચાલી કરી અપશબ્દો કહ્યા હોવાની જાણ થતાં પાર્થ ઘરે દોડી ગયો હતો. તેણે પોતાના ઘરે આવીને સચિન અને પ્રિતેશ ઝઘડો કરતા હોવાની સાહિલ અને વિકાસને ફોન કરતા જ આ બંને જણા ગણતરીની મિનિટોમાં ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન સચિન અને પ્રિતેશ ગંગોત્રી એપાર્ટમેન્ટમાંથી ઉતરીને મેદાનમાં આવતા જ ત્યાં બેઝબોલની સ્ટીક લઈને ઉભેલા સાહિક અને વિકાસ તેઓની પર તુટી પડ્યા હતા.
બંને ભાઈઓને હોસ્પિટલમાં ખસેડવા ૧૦૮માં ફોન કોણે કર્યો ?
આ સમગ્ર ઘટના રાત્રિના સમયે મેદાનમાં બની હતી જયાં મોટાભાગે વાહનો પાર્ક થતાં હોઈ ત્યાં કોઈ અવરજવર હોતી નથી. મેદાનમાં બંને ભાઈઓ પર હુમલો કરાયા બાદ આરોપીઓ પણ ત્યાંથી ફરાર થયા હતા. બીજીતરફ બંને ભાઈઓ લોહીલુહાણ હાલતમાં મેદાનમાં ફસડાયા બાદ તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતું તેઓને હોસ્પિટલમાં લઈ જવા માટે ૧૦૮માં ફોન કોણે કર્યો ? તેની વિગતો હજુ સુધી પોલીસને મળી શકી નથી.
સમગ્ર ઘટનામાં શું માત્ર એક કોન્સ્ટેબલ જ જવાબદાર છે?
સચિન ઠક્કરની જે રીતે ક્રુરતાપુર્વક હત્યા કરાઈ છે તે બનાવ સંદર્ભે અગાઉ થયેલી અરજીની તપાસમાં બેદરકારી બદલ ગોત્રી પોલીસ મથકના પોકો પ્રવિણ ધુળાભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. આ બનાવમાં પોકો પ્રવિણ ધુળાભાઈએ આરોપી પાર્થને વારંવાર ફોન કરી પોલીસ મથકમાં આવવા માટે સુચના આપી હતી પરંતું તે હાજર થતો નહોંતો તેમ ગોત્રી પીઆઈ ગુર્જરે જણાવ્યું હતું. જાે આ વાત સાચી હોય તો આ ઘટનામાં શું માત્ર એક કોન્સ્ટેબલ કક્ષાનો કર્મચારી જ જવાબદાર છે ? અન્ય અધિકારીઓની પણ કોઈ જવાબદારી નહોંતી ? પોકો સસ્પેન્ડ થતાં પોલીસ બેડામાં એવી ફરી ચર્ચા ચાલી છે કે કોઈ પણ ગંભીર બનાવ બને તેવા સમયે હમેંશા નાના કર્મચારીનો જ ભોગ લેવાય છે ..
માત્ર ૫૫ સેકન્ડમાં આરોપીઓએ સ્ટીકના ૩૧ ફટકા માર્યા
સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કર પર હુમલાના બનાવ અને સચિનની હત્યાનો સમગ્ર ખેલ માત્ર ૫૫ સેકન્ડમાં પતી ગયો હતો. વીડિયો ક્લિપિંગ મુજબ સાહિલ અજમેરીએ બંને ભાઈઓને ૧૯ ફટકા માર્યા હતા જયારે વિકાસ લોહાણાએ ૧૨ ફટકા માર્યા હતા. બંને ભાઈઓને માત્ર ૫૫ સેકન્ડમાં ૩૧ ફટકા મારતા બંને ફસડાઈ પડ્યા હતા. ત્યારબાદ બંને હુમલાખોરો નજીક ઉભેલી કાર પાસે દોડી ગયા હતા અને આ પૈકી સાહિલે કારને પણ ૪ ફટકા અને વિકાસે ૩ ફટકા મારી બંને કારને પણ નુકશાન પહોંચાડ્યું હતું.
ફાંસીની સજા થવી જાેઈએ ઃ ડો. વિજય શાહ
વડોદરા જેવી સંસ્કારી નગરીમાં બેરહેમીથી કોઈ વ્યક્તિને માર્યો હોય અને ક્રૂરતાપૂર્વક માર મારતો વીડિયો બહાર આવ્યો હોય તેવી પહેલી ઘટના છે. જે વ્યક્તિ માણસને બેભાન થયા પછી પણ નિર્દયીપણેમાર મારવાનું ચાલુ રાખતી હોય તેવી વ્યક્તિને ફાંસીની સજા થવી જાેઈએ તેમ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું.
ગુનાહિત માનસિકતા હોવાનું માલૂમ થાય છે ઃ સુનીલ સોલંકી
જે પ્રકારે સચિન ઠક્કરને માર મારવામાં આવી રહ્યો છે તે વીડિયો જાેતાં હુમલાખોરોની ક્રૂરતા એ ગુનાહિત માનસિકતા હોવાનું સ્પષ્ટ માલૂમ થાય છે. વડોદરા શહેરમાં ક્યારેય કોઈ ડૉન ફાવ્યા નથી અને ખાસ કરીને ભાજપના શાસનમાં આવા કોઈ ડૉનને સાંખી લેવાય નહીં. આ માત્ર ભાજપના કાર્યકરની વાત નથી, પરંતુ સામાન્ય નાગરિકોના સુરક્ષાની પણ વાત છે. આ પ્રકારના હુમલાનો વીડિયો વાયરલ થયો છે તે જાેતાં હુમલાખોરો અને તેની પાછળ હુમલાનું ષડ્‌યંત્ર કરનાર તમામને કડક સજા થાય તે માટે પોલીસ વિભાગને ભલામણ કરીશું તેમ કહ્યું હતું.
હુમલા બાદ મેદાનમાંથી પૂરઝડપે ફરાર થયેલી બે કાર કોની?
સચિન અને પ્રિતેશ પર હુમલો થતાં બંને ભાઈઓ ઢળી પડ્યા હતા આ સમયે મેદાનમાં એક કાળા રંગની તેમજ એક સફેદ રંગની કાર પણ નજીકમાં ઉભી હતી. દરમિયાન બંને ભાઈઓ ઢળી પડતા જ પાર્થ પરીખ ત્યાં દોડી આવ્યો હતો અને તે જ સમયે આ બંને કાર સ્ટાર્ટ થતાં પાર્થે બુમ પાડતો કાર તરફ દોડી જતાં સાહિલ અને વિકાસ પણ ત્યાં દોડી ગયા હતા અને તેઓએ બંને કારના વીન્ડોગ્લાસ અને દરવાજા પર બેઝબોલ સ્ટીકના ફટકા માર્યા હતા જેને પગલે બંને કારના ચાલકોએ તેઓની કાર પુરઝડપે ત્યાંથી હંકારી મુકી હતી. આ બંને કાર કોની હતી અને તેમાં કોણ કોણ હતું તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. આ ઘટનાક્રમ જાેતા આ બંને કારમાં બેઠેલા ચાલક સહિત સંભવિત અન્ય લોકો સચિન અને પ્રિતેશ સાથે આવ્યા હોવાનું અને હત્યારાઓએ જે રીતે હુમલો કર્યો તે જાેઈને ગભરાઈને તેઓ ભાગ્યા હોવાનું મનાઈ રહ્યું છે.