વડોદરા,તા.૨૨

વિશ્વ જળ દિવસે સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યુ છે ત્યારે શહેરની ઓળખ સમી વિશ્વામિત્રી નદીને મોટી કંપનીઓ દ્વારા દુષિત પાણી છોડીને તેમજ કોર્પોરેશન દ્વારા ગટરનું પાણી નદીમાં છોડીને પવિત્ર નદીને ગંટર ગંગા બનાવી દીધી છે. દુષિત પાણી ઠાલવવાની સાથે વિવિધ ઝેરી કેમિકલો પણ ભુગર્ભમાં છોડવામાં આવતા હોવાથી ભુગર્ભ જળની માત્રા ઘટવાની સાથે પાણી પણ દુષિત આવી રહ્યુ છે. આ પ્રકારની ગેરરિતી અટકાવવા માટે પર્યાવરણ સુરક્ષા સમિતી , વિશ્વામિત્રી બચાવો અભિયાન , પાલીકાનો વિરોધ પક્ષ તેમજ અનેક પર્યાવરણવિદ્દો દ્વારા લડત આપવામાં આવી રહી છે પરતું પાલીકા દ્વારા કંપનીઓ સાથે સાંઠગાઠ ચાલાવી લઈને કોઈ પણ પગલાં લેવામાં નહી આવે તો આગામી જળ દિવસ પર આપણે સૌ દુષિત પાણી પીને અનેક જીવલેણ બિમારીઓ સાથે જીવતા હોઈશું.

પાણીના મુખ્ય સ્ત્રોત એટલે દરીયાઓ , નદી ,તળાવો , સરોવરો અને ઝરણાંઓનો સમાવેશ થાય છે. પરતું નાણાં કમાવવાની હરીફાઈમાં લોકોએ આંધળી દોટ મુકીને પાણીના કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચાડીને તેમને દુષિત બનાવી દીધા છે. જળ એ જ જીવન છે એવુ જાણવા છતાં પાણીના એનેક સ્ત્રોતોને દુષિત બનાવીને લોકોને દુષિત પાણી પીવા માટે મજબુર કરી દેવામાં આવ્યા છે, કુદરતી સ્ત્રોતોને બચાવવાની જવાબદારી જેમની છે એવા કોર્પોરેશન દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે “ખુલે મેં શૌચ કરના મના હૈ” જેવા સ્લોગનો ઠેર ઠેર લગાવે છે પરતું ખુદ કોર્પોરેશન દ્વારા જ વિશ્વામિત્રી નદીમાં સમગ્ર શહેરની ગટરોમાં ભેગુ થતુ દુષિત પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યુ છે જેથી સમગ્ર શહેર નદીમાં શૌચ કરે છે તેમ સમજવું જાેઈએ. પાણીના કુદરતી સ્ત્રોતોને બચાવવા માટે વિવિધ સમીતિઓ દ્વારા તેમજ જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવા છતાં પણ નિદ્રાંધીન પાલીકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યા ઉનાળાની શરુઆત થઈ છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણીનો કાંપ આવી રહ્યો છે તો અનેક વિસ્તારોમાં દુષિત પાણી આવી રહ્યુ હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે.ભુગર્ભ જળના પાણીનો કલર પણ બદલાઈને કોકાકોલાનું પાણી બની ગયું હોય તેવું લાગી રહ્યુ છે. માનવીની જીવન જરુરીયાત વસ્તુને દુષિત બનાવી દીધી હોવાથી લોકોને પ્યોરીફાય મશીનો ઘરમાં લગાવીને પાણી પિવાની ફરજ પાડવામાં આવી રહી છે. આજે વિશ્વ જળ દિવસ હોવાથી સૌ “પાણી બચાવો” , “ જળ એજ જીવન છે ” જેવા સ્લોગ્નો સોશ્યલ મિડીયા પર મુકીને દંભી દેખાવ કરી રહ્યા છે ત્યારે એક જાગૃત નાગરિક બનીને સાચી રીતે જળ દિવસની ઉજવણી કરે તો પાણીના મુખ્ય સ્ત્રોતોને નુકશાન થતુ અટકી જશે અને સરકાર અને કંપનીઓ દ્વારા થતી ગેરરીતિઓ પણ

અટકી જશે.