પાર્ટીના પ્રમુખ નહીં, પાર્ટીના માલિક હોય એમ મનમાની કરવા ટેવાયેલા મનાતા ડો. વિજય શાહ એમ.એસ.યુનિ.ની સેનેટની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારો તરીકે મેન્ડેટ આપી એક કાંકરે બે પક્ષી મારવા જવાના દાવમાં ઊંધા માથે પછડાયા અને બાવાના બેઉં બગડ્યા જેવી તેમની હાલત થઈ હોવાની ચર્ચા ભાજપામાં જ જાેરશોરથી થઈ રહી છે.

એક તરફ હાલના સર્વેસર્વા જિગર ઈનામદાર જેમનો માનસપુત્ર હોવાનું કહેવાય છે એ પ્રજ્ઞેશ શાહ સાથે મળી જિગરને તેના કદ મુજબ વેતરી નાખવાનું ગણિત તો ખરું જ. કારણ કે, માનસપિતા એવું દૃઢપણે માને છે કે તેમના માનસપુત્રે જ તેમની પીઠમાં ખંજર મારી યુનિ. પરના તેમના પ્રભુત્વને જમીનદોસ્ત કરી નાખ્યું છે. બીજી બાજુ ડો. વિજય શાહ પણ જિગર ઈનામદારની કારકિર્દીનો ખાત્મો કરી યુનિ.માં ‘ગોડફાધર’નો પાઠ અદા કરવા તત્પર હોવાનું મનાય છે. આ સંજાેગોમાં જિગરના બે કટ્ટર વિરોધીઓ ડો. વિજય શાહ અને પ્રો.પ્રજ્ઞેશ શાહે હાથ મેળવી લીધા.

બીજી બાજુ સંઘના ખડતલ નેતા અને પ્રદેશ કારોબારીના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટને તેમના કદ પ્રમાણે વેતરી નાખી પોતાનું સ્થાન વધુ મજબૂત અને કદ વધુ ઊંચું કરવાનો બદઈરાદો ધરાવતા આરએસએસના વિભાગીય કાર્યવાહ મનસુખ જેસાડિયા (પટેલ)ની મહેચ્છા અને ભાર્ગવ ભટ્ટ પ્રદેશકક્ષાએ પોતાની વિરુદ્ધનું વાતાવરણ સર્જી રહ્યાનું માનતા ડો. વિજય શાહે હાથ મેળવ્યા અને હેસિયતથી વધુ મોટો કોળિયો ખાવા પ્રયત્ન કર્યો.

આમ, ભાજપાની જ શાખા-પ્રશાખા વચ્ચેની આંતરિક લડાઈએ એમ.એસ.યુનિ.ની સેનેટ ચૂંટણીને અભડાવી. એટલું જ નહીં, કૈ. સર સયાજીરાવની ગરિમા પર કિચડ ઉછાળતી રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવી દીધી. પણ, અંતે પ્રજ્ઞેશના મેળાપીપણામાં ડો.વિજય શાહે જાહેર કરેલા સત્તાવાર ઉમેદવાર પૈકી માંડ બે જીત્યા, જ્યારે જિગર ઈનામદારનો પણ આ વખતે દબદબો ઓછો થયાનું ચિત્ર ઉપસ્યું છે. કારણ, ટેકનોલોજીમાં નરેન્દ્ર રાવત, સોશિયલ વર્ક ફેકલ્ટીમાં કપીલ જાેશી અને કોમર્સમાં અમર ઢોમસેને હટાવવા ડો. વિજય શાહ, પ્રજ્ઞેશ શાહ, મનસુખ જેસાડિયા (પટેલ), જિગર ઈનામદારે કરેલા અથાગ પ્રયત્નો છતાં આ ત્રણે ઉમેદવારો સામાપ્રવાહે તરીને પણ ઉજ્જવળ જીત મેળવી શક્યા.

ટૂંકમાં, એકબીજાને કદ પ્રમાણે વેતરવાની આ આંતરિક લડાઈમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે અતિમહત્વાકાંક્ષી બનીને સંઘ-ભાજપાના દિગ્ગજ નેતા ભાર્ગવ ભટ્ટ સાથે લડાઈ વહોરી લીધી છે. આની આકરી કિંમતો ક્યારે અને કેટલી મોટી ચૂકવવી પડશે એ તો ડો. વિજય શાહની કુંડળીના ગ્રહો જાણે.

પ્રોફેસર કેટેગરીમાં પણ ભાજપાપ્રેરિત સંકલન સમિતિના ઉમેદવારોની હાર

એમ.એસ.યુનિ.ની સેનેટની ચૂંટણીની પ્રોફેસર કેટેગરીની પાંચ બેઠકો માટે ટીમ એમ.એસ.યુ. અને ભાજપાપ્રેરિત સંકલન સમિતિએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આજે યોજાયેલી ચૂંટણી બાદ સાંજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમ એમ.એસ.યુ.ના ૪ ઉમેદવારોનો વિજય તેમજ એક ઉમેદવારનો માત્ર ૧ મતે પરાજય થયો હતો. આમ, આ વિભાગમાં પણ ટીમ એમ.એસ.યુ.એ જ્વલંત વિજય હાંસલ કર્યો હતો.

કોને કેટલા મત મળ્યા

• પ્રો. દિપેન્દ્રસિંહ જાડેજા - ૬૯

• પ્રો. અતુલ જાેશી - ૮૯

• પ્રો.. કે.પુષ્પનંધમ - ૬૦

• ડો. રંજન ઐયર - ૭૩

• ડો. રાકેશ ગાંધી - ૩૨

• પ્રો. પ્રદીપ દેવતા - ૭૧

• પ્રો. રમણીકલાલ ટંડેલ - ૪૬

• પ્રો. કોમલ ચૌહાણ - ૭૨

• પ્રો. મિની શેઠ - ૩૮

• પ્રો. ગૌરાંગ ભાવસાર - ૭૦