ગાંધીનગર, રાજયમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આજે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓને નવો આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ રાજ્યમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. આજે રાજયમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૨૮૦૦ ને પર કરી ગયો છે. તેમાંય ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના પોઝિટિવના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. સાથોસાથ રાજ્યના અન્ય શહેરો અને જિલ્લામાં પણ કોરોનાના કેસોએ માઝા મૂકી છે. ત્યારે હવે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી નાની વયના બાળકો પણ કોરોના ગ્રસ્ત બની રહ્યા છે તે બાબત રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં આઠથી દસ જેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહયા છે.

આ બાબતને ધ્યાનમાં લઈને આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. આ કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. કોર કમિટીમાં લેવાયેલા આ ર્નિણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ ૧ થી ૯ ની તમામ શાળાઓને બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણય મુજબ તા. પાંચમી એપ્રિલને સોમવારથી અન્ય સૂચનાઓ કે નવો આદેશ ના મળે થાય ત્યાં સુધી રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. રાજ્યમાં આવેલી તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને રાજ્યમાં વધતાં જતાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી આ ર્નિણય કર્યો છે.