આણંદ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓમાં તા.૨૮ ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ તાલુકા પંચાયતો આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજિત્રા તથા ૬ નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રાની સામાન્ય ચૂંટણી તેમજ કરમસદ નગર પાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચૂંટણીનું મતદાન ૨૮ ફેબ્રુઆરીના રોજ છે.

મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ ૨હે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેનાં કોઈ પ્રત્યાઘાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી.ઠાકોરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તા.૨૮ના રોજ મતદાનના દિવસે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માન્ય થયેલાં મતદાન મથકોના સંદર્ભે હુકમ ફરમાવ્યો છે.

મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને મત માટે પ્રચાર કરવો , મતદારોને ધાકધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતાં અટકાવવા, કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા, કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા, ચૂંટણીને લગતી (સરકારી નોટિસ સિવાયની કોઈ નોટિસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને સંદેશા વ્યવહાર કે રેકોર્ડિંગ થઈ શકે તેવાં અન્ય કોઈપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઈ જવા, વાહનો સાથે આવવા વગેરે ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મહત્વનું છે કે મતદાન ના દિવસે મતદાન મથકમાં મતદાર, મતદાન સાથે સંકળાયેલાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ, ચૂંટણી પંચે અધિકૃત કરેલી વ્યક્તિઓ, ઉમેદવાર, તેમનાં ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારનો એક મતદાર એજન્ટ, મહિલા મતદારે તેડેલું બાળક, અંધ, અશક્ત ઉમેદવારનો સાથી આ સિવાયની અન્ય વ્યક્તિ કે જેને ચૂંટણી અધિકારી અથવા પ્રીસાઇડિંગ ઓફિસરે નિયુક્ત કર્યા હોય તેવી વ્યક્તિ જ પ્રવેશ કરી શકશે.

મતદાન મથકની ૨૦૦ મીટર દૂર ઉમેદવાર દ્વારા ઊભાં કરવામાં આવેલાં બુથ ઉપર અથવા ઉમેદવાર તરફથી કાપલી મતદારને આપવામાં આવે તેમાં કોઈ પક્ષ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે અન્ય કોઈ લખાણ હોવું જાેઈએ નહીં. કોઈપણ મતદાર કે વ્યક્તિ મતદાન મથકની ૨૦૦ મીટરની હદમાં આવી કોઈ કાપલી કે જેમાં ઉમેદવારનું નામ, પ્રતીક કે સંજ્ઞાનું લખાણ હોય તે લઈ પ્રવેશી શકશે નહીં.

મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રચાર અંગેનું કોઈપણ સાહિત્ય, બેનર, કટઆઉટ, પોસ્ટર રાખી શકશે નહીં. તેમજ મતદાનના સમય દરમિયાન મતદાન એજન્ટ મતદાર યાદીની નકલ મતદાન મથકની બહાર લઈને જઈ શકશે નહીં. આ જાહેરનામંુ ચૂંટણી હેઠળના આણંદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકા મત વિસ્તારના નક્કી કરાયેલાં તમામ મતદાન મથકોના સમગ્ર વિસ્તારને લાગંુ પડશે.