સચિવાલયના નકલી સેક્શન ઓફિસરે નોકરી અને કોન્ટ્રાક્ટના બહાને બે મિત્રો પાસેથી ૪૦ લાખ પડાવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   1287

શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા એક આધેડ અને તેમના મિત્રને સચિવાલયના નકલી સેક્શન ઓફિસરે છેતરીને ૪૦ લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગત મુજબ, નિકોલમાં રહીને ટેમ્પો ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ ડાભી અને તેમના મિત્ર જીતેન્દ્ર સુરાણી ઓગસ્ટ ૨૦૨૫માં ધોળકા સ્વામિનારાયણ મંદિરના ભોજનાલયમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત રાજેન્દ્ર જેકડિયા નામના શખ્સ સાથે થઈ હતી. રાજેન્દ્રએ પોતાની ઓળખ ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર તરીકે આપી હતી અને વિશ્વાસ જીતવા માટે નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું.

તેણે મનુભાઈને લાલચ આપતા જણાવ્યું હતું કે તેણે અનેક યુવાનોને તલાટીની પરીક્ષામાં નોકરી અપાવી છે અને તે આવાસ યોજનાના મકાનો તેમજ એલ એન્ડ ટી જેવી મોટી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પણ અપાવે છે.મનુભાઈનો પુત્ર સરકારી પરીક્ષાની તૈયારી કરતો હોવાથી, તેઓ આ ઠગની જાળમાં ફસાઈ ગયા હતા. આરોપીએ તલાટીની નોકરી માટે ૯.૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બંને મિત્રોએ પોતપોતાના પુત્રો માટે કુલ ૧૩.૫૦ લાખ રૂપિયા શરૂઆતમાં ચૂકવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સીધી નોકરી અપાવવાના બહાને વધુ ૫.૫૦ લાખ અને એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાના નામે ૮.૫૯ લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ, ટુકડે-ટુકડે કુલ ૪૦ લાખ રૂપિયા લીધા બાદ પણ કોઈ નોકરી કે કોન્ટ્રાક્ટ અપાવ્યો નહોતો.શંકા જતાં મનુભાઈએ સચિવાલયમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે રાજેન્દ્ર જેકડિયા નામનો કોઈ વ્યક્તિ ત્યાં નોકરી કરતો નથી. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું જણાતા મનુભાઈએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution