વડોદરા : સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલ શિવમ્‌ પેટ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝમાં મળસ્કે ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઈ હતી. વિવિધ પ્રકારના કેમિકલ ડિસ્ટીલેશનનું કામ કરતી કંપનીમાં ભીષણ આગની ઘટનાને પગલે સાવલી નજીકની ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કંપનીમાં કામ કરતા કર્મચારીઓને બહાર કાઢી છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં પાંચ કર્મચારીઓ દાઝી ગયા હતા, તેમને સાવલી જમનોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તબકકે રિએક્ટરમાં પ્રેશર વધતાં આગ લાગી હોવાનું જાણવા મળેલ છે.

સાવલી-વડોદરા રોડ પર ગોઠડા ગામ નજીક શિવમ્‌ પેટ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલ છે. આ કંપની વિવિધ પ્રકારના સોલવન્ટ કેમિકલ ડિસ્ટીલેશન કરે છે. આજે સવારે આશરે ત્રણ વાગ્યાના સુમારે એક પ્રચંડ ધડાકો થતાં તેનો અવાજ આશરે ૮ થી ૧૦ કિ.મી. સુધી સંભળાયો હતો. ગગનભેદી ધડાકાના પગલે પંથકવાસીઓ જાગી ગયા હતા અને શું થયુંની પૃચ્છા કરી હતી. ગણતરીની સેકન્ડમાં જ સમગ્ર કંપની આગની લપેટમાં પકડાઈ ગઈ હતી. ભારે લબકારા મારતી આગના કારણે ભારે બિહામણા દૃશ્યો સર્જાયાં હતાં અને વિવિધ કેમિકલના સળગવાના કારણે ભારે બિહામણા અવાજાે સાથે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી અને સમગ્ર આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. જાે કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાવા મળી શક્યું નથી. આગને પગલે વડોદરા જીએસએફસી, એચ.પી. કોર્પોેરેશન, નિરમા, સાવલી પાલિકા સહિતના સાત ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવા માટે પ્રયાસ કર્યો હતો. જ્યારે બાજી બાજુ સાવલી પોલીસે પ્રચંડ આગના પગલે સાવલી-વડોદરા મુખ્ય હાઈવે વન-ને કરી દીધો હતો. આ બનાવને પગલે સાવલી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

શિવમ્‌ કંપનીમાં લાગેલી આગને બુઝાવવા માટે લાશ્કરોએ ભારે જહેમત કરવી પડી હતી. આ કંપનીમાં ટોલ વીન એસી ટોન મોનો કલો રો બેન ઝીન તેમજ આઈપીઓ જેવા જ્વલનશીલ કેમિકલ વપરાતા હતા પરંતુ ફાયર સુવિધાના નામે બિલકુલ મીંડું હતું અને જ્વલનશીલ કેમિકલ વપરાતા હોવા છતાં દુર્ઘટના સમયે પાણીની સંગ્રહની કે પાણીની કોઈ જ વ્યવસ્થા ન હતી, જેના કારણે ફાયર બ્રિગેડના લાશ્કરોને આગ બુઝાવવા માટે ભારે જહેમત કરવી પડી હતી. જાે કે, ગોઠડા ગ્રામ પંચાયતના સરપંચ મોહમ્મદ અલી સૈયદ દ્વારા પંચાયતના તમામ બોરવેલ તેમજ આજુબાજુના ખેડૂતોના બોરવેલ પર સતત પાણી મળતું રહે તે માટે સંપર્કો સાધીને ફાયર બ્રિગેડને પાણીની મુશ્કેલી પડવા દીધી ન હતી. આગમાં કંપનીનું તમામ સ્ટ્રકચર અને તમામ મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસસૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર દાઝી ગયેલા કર્મચારીઓમાં ગોલુસિંહ હુકમસિંહ, સિરાજુદ્દીન રાજ, ગીરીશભાઈ, તુષારભાઈ, બારોટ સુજિતભા નામના કામદારો દાઝી ગયા હતા. તેઓને ૧૦૮ દ્વારા સાવલી ખાતે જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા ખાતેની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાે કે, હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.