લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026 |
1485
વિશ્વનાં લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન અને નિકાસનું સૌથી મોટું હબ ગણાતા સુરત સહિત ભારતમાં આજે એક એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, હીરા તૈયાર કરવામાં થતી મજૂરી કરતાં વધુ રકમ વિદેશી લેબોરેટરીઓ ગ્રેડિંગ અને સર્ટિફિકેશન માટે વસૂલી રહી છે. જેના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનું મૂલ્યવર્ધન વિદેશી કંપનીઓ પાસે પહોંચી રહ્યું છે અને ઉદ્યોગમાં તેને ગંભીર મુદ્દા તરીકે જાેવામાં આવી રહ્યું છે.
લેબગ્રોન હીરાનાં સર્ટિફિકેશન માટે હજુ પણ મોટાભાગનાં ઉત્પાદકો ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટ સહિતની વિદેશી લેબોરેટરીઓ ઉપર ર્નિભર છે. છેલ્લા કેટલાક સમયથી આ લેબોરેટરીઓ દ્વારા સર્ટિફિકેશન ફીમાં સતત વધારો કરવામાં આવતા સુરતનાં ઉત્પાદકો પર વધારાનો ખર્ચ આવી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સરકાર માન્ય ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટે પણ લેબગ્રોન ડાયમંડનાં ગ્રેડિંગ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. ઉદ્યોગનું માનવું છે કે સ્થાનિક સ્તરે સર્ટિફિકેશનને પ્રોત્સાહન મળશે તો વિદેશી લેબ્સ પરની ર્નિભરતા ઘટશે અને સર્ટિફિકેશનથી સર્જાતું મૂલ્ય દેશમાં જ રહેશે.
આ દરમિયાન ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટનાં નાણાંકીય પરિણામોએ પણ લેબગ્રોન સર્ટિફિકેશનનાં વધતા વ્યવસાય પર પ્રકાશ પાડ્યો છે. નાણાંકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક ૨૩ ટકા વધીને રૂ. ૩.૭ અબજ પર પહોંચી છે, જ્યારે ઈબીઆઇટીડીએ ૨૯ ટકા વધીને રૂ. ૨.૨ અબજ થયો છે. કંપનીની કુલ આવકમાંથી ૫૮.૨ ટકા હિસ્સો લેબગ્રોન હીરાનાં સર્ટિફિકેશન અને ૭.૮ ટકા હિસ્સો લેબગ્રોન જ્વેલરીમાંથી મળીને કુલ ૬૬ ટકા આવક લેબગ્રોન સેગમેન્ટમાંથી આવે છે. ઉદ્યોગનાં જાણકારોનાં મતે આ આંકડા દર્શાવે છે કે સુરતમાં બનતા લેબગ્રોન હીરામાંથી ઉત્પાદન જેટલી જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ મૂલ્યવર્ધન હવે સર્ટિફિકેશનનાં વ્યવસાયમાં થઈ રહ્યું છે.
સ્વદેશી લેબ અપનાવશો તો હજારો કરોડ દેશમાં જ રહેશે
લેબગ્રોન ડાયમંડનાં સર્ટિફિકેશન માટે હાલમાં દર વર્ષે અંદાજે રૂ. ૬,૦૦૦ કરોડથી વધુની રકમ વિદેશી લેબોરેટરીઓ સુધી પહોંચે છે. આ નાણાં દેશમાં જ રહે તે માટે ભારત સરકાર માન્ય ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ જેવી સ્વદેશી લેબનો વધુ ઉપયોગ કરવો જાેઈએ. આઇડીઆઇ પાસે લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેશન અને ગ્રેડિંગ કરવાની સક્ષમ સુવિધા ઉપલબ્ધ છે. જાે ઉદ્યોગકારો સરકાર માન્ય ભારતીય લેબને પ્રાથમિકતા આપશે તો વિદેશી કંપનીઓ પરની ર્નિભરતા ઘટશે, દેશનું મૂલ્યવાન વિદેશી હુંડિયામણ બચશે અને ભારત સર્ટિફિકેશન ક્ષેત્રે પણ વધુ આર્ત્મનિભર બનશે. - જયંતિ સાવલિયા, પ્રમુખ, જીજેઇપીસી