આણંદ : નવિન શિક્ષણ પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે તે માટે ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું. આ વેબિનારમાં એન.એસ. પટેલ આર્ટ્‌સ ઓટોનોમસ કોલેજના પ્રાચાર્ય મોહનભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં કુલ ૮૮ એનસીસી કેડેટ્‌સે ભાગ લીધો હતો.  

મોહનભાઈએ ભારત સરકારની નવિન શિક્ષણ પદ્ધતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ફક્ત અક્ષરજ્ઞાન જ મહત્વનું નથી, વૈદિક કાળથી જે ગુરૂકુળનું શિક્ષણ આપવામાં આવ્યું હતું તે જ પદ્ધતિ ફરી લાગુ કરવામાં આવશે, જેનાં દ્વારા ૬૪ કળાઓનું જ્ઞાન, માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ, વિદ્યાર્થીઓ દ્વારા જ વિષયોની પસંદગી આ દરેક બાબતો લાગું થશે.

આ સમગ્ર વેબિનારનું આયોજન ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયનના વડા કમાન્ડ અધિકારી કર્નલ રીશી ખોસલાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હોવાનું કચેરીની એક યાદીમાં જણાવાયું છે.