નવીદિલ્હી

ભારતીય ટીમ માટે રાહતભર્યા સમાચાર મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટસમેન રોહિત શર્મા 30 ડિસેમ્બરથી ભારતીય ટીમ સાથે જોડાઈ જશે. નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશન અને ટ્રેનિંગ બાદ રોહિત શર્મા 16 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. અત્યારે તે સિડનીમાં 14 દિવસના ક્વોરેન્ટાઈન પીરિયડને પૂર્ણ કરી રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડી મયંક અગ્રવાલ અને પૃથ્વી શોનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું. પૃથ્વી એડિલેડ ટેસ્ટની બન્ને ઈનિંગમાં માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો.

સિડનીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે ત્રીજા ટેસ્ટનું આયોજન મેલબર્નમાં જ કરવામાં આવી શકે છે. મેલબર્નમાં બીજો ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે જ્યારે સિડનીમાં ત્રીજો ટેસ્ટ 7થી 11 જાન્યુઆરી વચ્ચે રમાશે. જો સિડનીમાં સ્થિતિ નહીં સુધરે તો ત્યાં ત્રીજો ટેસ્ટ મેચ રમાવાની સંભાવના ઓછી છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને અનુરોધ કર્યો છે કે તે રોહિત શર્માને મેલબર્નમાં ક્વોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ કરવાની પરવાનગી આપે. આ રીતે ભારતીય ટીમનો હિટમેન પોતાના કેમ્પમાં સામેલ થઈ શકતો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાએ આ અનુરોધ સ્વીકાર્યો નથી. તેણે બીસીસીઆઈને જણાવ્યું કે નિયમો હેઠળ રોહિત શર્માએ એ જ હોટેલ રૂમમાં રહેવું પડશે જે વિક્ટોરિયા સરકાર દ્વારા પસંદ કરાઈ હશે. 

રોહિત શર્મા અત્યારે સિડનીમાં બે રૂમના એપાર્ટમેન્ટમાં એકલો રહે છે. અહીં તેની ઈન્ડોર ટ્રેનિંગની વ્યવસ્થા કરાઈ છે. ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ટીમ મેનેજમેન્ટ સતત તેના સંપર્કમાં છે. રોહિત અત્યારે ક્વોરેન્ટાઈન દરમિયાન બાયો સિક્યોર વાતાવરણમાં છે. આ સપ્તાહે સિડનીમાં કોરોનાના નવા કેસ મળ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર અને સીન અબોટને સમય પહેલાં જ મેલબર્ન મોકલી દીધા હતા.