સરથાણા ઝોનમાં રહેણાંક વિસ્તારમાં કોમશિર્યલ એકમો કાયમી બંધ કરાવવાની માગ સાથે મોરચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026  |   1782

સરથાણા ઝોનમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતાં ઔદ્યોગિક એકમોને પગલે આજે મોટી સંખ્યામાં રહેવાસીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોસાયટીનાં મેઈન ગેટથી મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો એકઠાં થયા હતા અને ત્યાંથી જ સરથાણા ઝોન સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે સરથાણા ઝોનમાં એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. અધિકારીઓ સમક્ષ અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં ધમધમતાં ઔદ્યોગિક એકમો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.

શહેરમાં વરાછાથી માંડીને પુણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારોમાં ધમધમતાં હોટ ફિક્સ એકમોને કારણે પર્યાવરણથી માંડીને પ્રદૂષણની ગંભીર સમસ્યા ઉદભવી છે ત્યારે હવે સરથાણા ઝોનમાં પણ રહેણાંક વિસ્તારોમાં કોમશિર્યલ એકમોને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. સરથાણા ઝોનમાં આવેલ સંત દેવીદાસ સોસાયટી અને આસપાસનાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામથી માંડીને કોમશિર્યલ પ્રવૃત્તિને કારણે લોકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. જો કે, ઝોનનાં અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રકરણમાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને પગલે આજે સવારે સંત દેવીદાસ સોસાયટી અને આસપાસનાં રહેવાસીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકનાં નિંભર વહીવટી તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે નિકળેલી રેલી સરથાણા ઝોન પહોંચી હતી. જ્યાં સ્થાનિકો દ્વારા રહેણાંક વિસ્તારમાં ધમધમતાં ઔદ્યોગિક - કોર્મશિયલ એકમો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોએ આ સંદર્ભે પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા અંગે સરથાણા ઝોનનાં વહીવટી તંત્રને અવાર - નવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી. બીજી તરફ ઝોન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતાં અંતે રહેવાસીઓએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ સમગ્ર પ્રકરણ અંગે વાકેફ કરવાની સાથે કાયમી નિરાકરણ અંગે રજુઆત કરવામાં આવી હતી. જો કે, વહીવટી તંત્ર માત્ર નોટિસ આપીને જ કામગીરી કરવાનો સંતોષ માની રહી હોવાનાં આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. સરથાણા ઝોન વિસ્તારમાં આવેલ સંત તુકારામ સોસાયટી અને આસપાસનાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોમશિર્યલ પ્રવૃત્તિનું દૂષણ વધી રહ્યુ હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન શોપિંગનાં ગોડાઉનો સહિત અન્ય કોમશિર્યલ પ્રવૃત્તિને કારણે સમગ્ર વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા સહિતની સમસ્યાઓ ઉભી થવા પામી હોવાનો પણ રોષ સ્થાનિકોમાં ઉભો થયો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution