લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026 |
2772
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશની પીપલ્સ લિબરેશન આર્મી આંતરિક સફાઈ અભિયાન વધુ આક્રમક બનાવતા ભારત સાથેના સરહદી વિવાદો સાથે જાેડાયેલા ભૂતપૂર્વ જનરલ ઝાઓ ઝોંગકીને દેશની સર્વોચ્ચ રાજકીય સલાહકાર સંસ્થામાંથી આકરા પાણીએ દૂર કરી દીધા છે. જનરલ ઝાઓ એ જ અધિકારી છે જેણે ૨૦૧૭ ના ડોકલામ સ્ટેન્ડઓફ અને ૨૦૨૦ની ગલવાન ખીણની હિંસક અથડામણ વખતે ચીનની સરહદ સાચવતી પીએલએની ‘વેસ્ટર્ન થિયેટર કમાન્ડ’નું નેતૃત્વ કર્યું હતું.
જનરલ ઝાઓને ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સ તેમજ અન્ય બે મહત્વના હોદ્દા પરથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે. જાેકે, બેઇજિંગે તેમને પદભ્રષ્ટ કરવા પાછળનું ચોક્કસ કારણ કે તેમની સામે ચાલતી કોઈ તપાસ અંગે સત્તાવાર મૌન જાળવ્યું છે. અમેરિકી ગુપ્તચર અહેવાલો મુજબ, ૨૦૨૦ માં ભારતીય સેનાને “પાઠ ભણાવવા” ના ઈરાદાથી ગલવાન ખીણમાં ઘૂસણખોરી અને હુમલાની યોજનાને મંજૂરી આપનાર જનરલ ઝાઓ જ મુખ્ય માસ્ટરમાઇન્ડ હતા.
ચીનમાં છેલ્લા કેટલાક સમયથી સેનાના વરિષ્ઠ અધિકારીઓ, શસ્ત્ર ખરીદી વિભાગ અને થિયેટર કમાન્ડરો સામે મોટા પાયે બરતરફીની પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં જ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વડા શી જિનપિંગે સેન્ટ્રલ મિલિટરી કમિશનમાંથી બે અત્યંત વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ઝાંગ યુક્સિયા અને લિયુ ઝેનલીને પણ હટાવી દીધા હતા.