વોશ્ગિટંન-

કોરોના વાયરસનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક દેશ મહામારીને રોકવા માટે રસી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાથી કોરોના રસીને લઈને સારા સમાચાર આવ્યા છે અને વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ શકે છે.

અમેરિકામાં કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમના પ્રમુખ મોનસેફ સ્લાઉએ જણાવ્યું કે અમારી યોજના છે કે મંજૂરી મળ્યાના ૨૪ કલાકની અંદર રસીને રસીકરણ કાર્યક્રમ સ્થળોએ પહોંચાડવામાં આવે. મને આશા છે કે મંજૂરી મળ્યા બાદ 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ જશે. અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મનની તેની ભાગીદાર કંપની બાયોએનટેકે કોરોના રસીના ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકાના એફડીએમાં અરજી કરી છે. રસીની મંજૂરી પર ચર્ચા માટે એફડીએની રસી સંબંધિત સમિતિની ૮થી ૧૦ ડિસેમ્બર વચ્ચે બેઠક થવાની છે.  

અત્રે જણાવવાનું કે અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 2.62 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 74.52 લાખ લોકો સાજા થયા છે. પરંતુ હજુ પણ 48.73 લાખ એક્ટિવ કેસ છે.