દિલ્હી-

વર્તમાન સમયમાં મોટાભાગની બેંકો ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે. આ સાથે બેંકો ગ્રાહકોને તેમની બેન્કિંગ સુવિધા સરળ રીતે પૂરી પાડી શકે તે માટે વિવિધ સેવાઓ પણ અવાર-નવાર લાવતી રહે છે. આ જ ક્રમમાં RBL બેંકે પણ નવી સુવિધા શરૂ કરી છે. બેંકે જણાવ્યું છે કે, આ સુવિધા હેઠળ RBL બેંકના ખાતા ધારકો કાર્ડ વગર (કાર્ડલેસ) ATMમાંથી નાણાં નિકાળી શકશે. બેંકે જણાવ્યું કે, તેણે આ સુવિધા માટે વૈશ્વિક ફાઇનાન્સ ટેકનોલોજી પ્રોવાઈડર કંપની એમપેજ પેમેન્ટ સિસ્ટમ સાથે કરાર કર્યો છે. 

બેંકે એક પ્રકાશનમાં જણાવ્યું છે કે, હવે તેના ગ્રાહકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના આરબીએલ બેંકના ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર (IMT) એટલે કે ઝડપી પૈસા ટ્રાન્સફર સેવાનો લાભ મેળવી શકે છે. ગ્રાહકો બેંકના 389 ATM અને અન્ય બેન્કોના 40,000થી વધુ ATMમાંથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના નાણાં ઉપાડી શકે છે.

આ સુવિધા મેળવવા માટે ગ્રાહકે RBI બેંકની મોબેંક એપ્લિકેશનમાં લોગ ઇન કરવું પડશે અને ત્યારબાદ એવા એટીએમનું સ્થાન જોવું પડશે. ત્યારબાદ નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને અથવા એપ્લિકેશનમાં કેટલાક વિશિષ્ટ વિકલ્પોનો ઉપયોગ કરીને તે ATMમાંથી કાર્ડનો ઉપયોગ કર્યા વિના નાણાં ઉપાડી શકશે.