જોધપુર રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. આર્કિટેક્ચર અને હિસ્ટ્રી લવર્સ માટે આ શહેર વિઝ્યુઅલ ટ્રીટથી ઓછું નથી. આ શહેર માત્ર ભારત જ નહીં, ઇન્ટરનેશનલ ટુરિસ્ટ્સનું પણ ફેવરિટ છે. તાજેતરમાં ન્યુ યોર્ક ટાઇમ્સના 2020ના ટ્રાવેલ લિસ્ટમાં તે 16મી પોઝિશન પર છે. ફરવા, શોપિંગ કરવાથી લઇને ખાવા સુધી આ શહેરમાં કરવા જેવું ઘણુ બધુ છે. ઘણા ઓછા લોકોને જાણ છે કે આ શહેરને બ્લુ સિટી પણ કહેવાય છે. 

ડેસ્ટીનેશન વેડિંગ માટે જોધપુર ફેમસ છે. બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ લગ્ન માટે આખી દુનિયા મુકીને આજ શહેરને પસંદ કર્યુ હતુ. તેના લગ્ન જોધપુરના ઉમેદભવન પેલેસમાં થયા હતા. ડેસ્ટીનેશન વેડિંગ માટે તે પોપ્યુલર જગ્યા છે. જોધપુરની ખાસિયતોની વાત કરીએ તો અહીં ઘણી ઐતિહાસિક ઇમારતો અને કિલ્લા છે. સાથે સાથે અહીં રાજસ્થાની કલ્ચર અને રોયલ્ટીની અસલી ઝલક પણ દેખાય છે. 15મી શતાબ્દીમાં બનેલો મેહરાનગઢ કિલ્લો જે હવે મ્યુઝિયમ બની ગયો છે તે તમને ભારતીય સંસ્કૃતિ અને કળાના દર્શન કરાવે છે. તે દેશના સૌથી મોટા કિલ્લાઓમાંથી એક માનવામાં આવે છે.  

ઘણા લોકોને ખ્યાલ હશે કે જયપુરને પિંક સીટીના નામે ઓળખાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે જોધપુરને બ્લુ સિટી કહેવાય છે. તેનું કારણ તમને અહીં આવીને જ જાણવા મળશે. તમે જોધપુરના જુના મકાનો તરફ જશો તો મોટા ભાગના મકાનો તમને બ્લુ રંગે રંગાયેલા જોવા મળશે. મેહરાનગઢ કિલ્લાથી તમે જોશો તો ઘણા ઘર તમને બ્લુ કલરના દેખાશે તેથી આ શહેરને બ્લુ સિટી પણ કહેવાય છે. એવું પણ કહેવાય છે કે બ્લુ રંગ બ્રાહ્મણ જ્ઞાતિ સાથે જોડાયેલો છે અને આ શહેરમાં બ્રાહ્મણોના ઘર બ્લુ રંગના હોય છે. જો તમે જોધપુરની ટ્રિપ પર હો તો મેહરાનગઢ કિલ્લો, મંડોર ગાર્ડન, રાવ જોધા ડેઝર્ટ રોક પાર્ક, બાલસમંદ ઝીલ, ઘંટાઘર , કાયલાના ઝીલ જવાનુ ન ભુલતા. એડવેન્ચર લવર્સ માટે પણ અહીં ઘણુ બધુ છે. અહીં નાઇટકેમ્પ પણ કરી શકાય છે. ફુડલવર્સ માટે જોધપુર સ્વર્ગથી કમ નથી. અહીં ગુલાબ જામુનની સબ્જી અને લાલ માસ ખુબ ફેમસ છે. અહીંની કચોરી, પાની બતાસે, મખનિયા લસ્સી, ઘેવર અને માલપુઆના સ્વાદ પણ તમે જિંદગીભર નહીં ભુલી શકો.