દિલ્હી-

દિલ્હીમાં મૂસળધાર વરસાદ ત્રાટકતાં મોટા ભાગની સડકો સરોવરોમાં ફેરવાઇ ગઇ હતી અને ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને નોર્થ દિલ્હીમાં જખીરા અંડરપાસ પાસે તો એક આખી કાર ડૂબી જાય એટલું પાણી ભરાયું હતું અને એક કારચાલક ડૂબતાં ડૂબતાં માંડ ઊગરી ગયો હતો. કારમાં રહેલી વ્યક્તિને લોકોએ બચાવી લીધી હતી. રાતભર વરસેલા વરસાદે દિલ્હીને દરિયો બનાવી દીધી હતી. જખીરા અંડરપાસમાં દિલ્હી ટ્રાન્સપોર્ટની એક બસ, એક ટ્રેક્ટર, એક ઓટો રિક્શા અને એક કાર ફસાયાં હતાં. કાર અને રિક્શાને તો બચાવી લેવાયાં હતાં પરંતુ બસ તો કલાકો સુધી ત્યાં ફસાયેલી રહી હતી.

ભારે વરસાદના પગલે દિલ્હી રેલવે સ્ટેશન, દ્વારકા અંડરપાસ, રાયસીના રોડ, તીન મૂર્તિ રોડ, ઉદ્યોગ ભવન, આઇટીઓ અને અન્ય વિસ્તારોમાં ગોઠણસમાણાં પાણી ભરાયાં હતાં. પરિણામે ટ્રાફિક જામ થયો હતો. દૂર દૂર સુધી વાહનોની લાઇન જોવા મળી હતી. માણેકશા રોડ પર સૌથી વધુ ખરાબ સ્થિતિ હતી. આટલું ઓછું હોય તેમ હવામાન ખાતાએ હજુ ભારે વરસાદની આગાહી કરી હતી.