નવી દિલ્હી 

એફએમસીજીની મોટી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) એ ગુરુવારે જણાવ્યું હતું કે જૂન ૨૦૨૧ માં પૂરા થયેલા વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો ૧૦.૭ ટકા વધીને રૂ. ૨,૧૦૦ કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૧,૮૯૭ કરોડ હતો.

એચયુએલે સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેનું ચોખ્ખું વેચાણ ૧૩.૨૧ ટકા વધીને રૂ. ૧૧,૯૬૬ કરોડ રૂપિયા રહ્યું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. ૧૦,૫૭૦ કરોડ હતું. કંપનીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો કુલ ખર્ચ ૯,૫૪૬ કરોડ રૂપિયા હતો. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં આ આંકડો ૮,૩૨૪ કરોડ રૂપિયા હતો.

એચયુએલના સીએમડી સંજીવ મહેતાએ કહ્યું કે “પડકારજનક વાતાવરણમાં અમે ચોખ્ખો નફો અને ચોખ્ખી આવકમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. ક્વાર્ટરમાં અમારું પ્રદર્શન સ્થિતિસ્થાપક રહ્યું છે અને તે આપણી ક્ષમતાઓ, અમારા કામગીરીની કાર્યક્ષમતા, અમારા પોર્ટફોલિયોની આંતરિક શક્તિને પ્રતિબિંબિત કરે છે." મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે માંગમાં પુનપ્રાપ્તિ માટે તે આશાવાદી છે.