દરેક જિલ્લા, શહેર અને રેલવે પોલીસ વિસ્તારમાં વિશેષ જુવેનાઇલની રચના કરવા માટે ગૃહ વિભાગનો ર્નિણય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026  |   1782

બાળકો સાથે સંકળાયેલા ગુનાઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોના કેસમાં વધુ અસરકારક કામગીરી થાય તે માટે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ હેઠળ રાજ્યના દરેક જિલ્લા, શહેર અને રેલવે પોલીસ વિસ્તારમાં વિશેષ જુવેનાઇલ પોલીસ એકમની રચના કરવામાં આવશે. આ અંગે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.નવા માળખા મુજબ જિલ્લા વિસ્તારમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અને મહિલા સેલના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને વિશેષ જુવેનાઇલ પોલીસ એકમના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરને એકમના સભ્ય તરીકે સામેલ કરવામાં આવશે.આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમમાં કાર્યરત બે સામાજિક કાર્યકરોને પણ વિશેષ જુવેનાઇલ પોલીસ એકમમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવશે. સામાજિક કાર્યકરોમાં ઓછામાં ઓછી એક મહિલા સામાજિક કાર્યકરનો સમાવેશ કરવો ફરજિયાત રહેશે.વિશેષ જુવેનાઇલ પોલીસ એકમની મુખ્ય જવાબદારી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો સાથે સંકળાયેલા કેસમાં યોગ્ય કાર્યવાહી અને જરૂરી સંકલન કરવાની રહેશે. એકમ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, ચાઇલ્ડ વેલફેર કમિટી તેમજ અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે. બાળકોના હિત અને તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.દરેક પોલીસ સ્ટેશનના ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની કામગીરી પણ આ સમગ્ર વ્યવસ્થામાં મહત્વપૂર્ણ રહેશે. બાળકોને લગતા કેસોમાં પોલીસની કાર્યવાહી વધુ સંવેદનશીલ અને કાયદાની જાેગવાઈઓ અનુસાર થાય તે માટે વિશેષ એકમ જવાબદારી નિભાવશે. ગૃહ વિભાગના ઠરાવ મુજબ વિશેષ જુવેનાઇલ પોલીસ એકમની કામગીરીની નિયમિત સમીક્ષા પણ કરવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષક અને શહેર પોલીસ કમિશનર દ્વારા ઓછામાં ઓછા દર છ મહિને એકમની કામગીરીની સમીક્ષા કરવાની રહેશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution