ન્યુ દિલ્હી

આઈસીસીએ વનડે આંતરરાષ્ટ્રીય બોલરોની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. રેન્કિંગમાં બાંગ્લાદેશના બે બોલરોને મોટો ફાયદો થયો છે, જ્યારે ભારતીય બોલર જસપ્રીત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયુ છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ વિશ્વનો નંબર વન બોલર છે. બીજા સ્થાને બાંગ્લાદેશનો મેહદી હસન આવી ગયો છે. મેહદી હસને શ્રીલંકા વિરુદ્ધ ચાલી રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝના પ્રથમ બે મુકાબલામાં કુલ સાત વિકેટ ઝડપી છે. નવા રેન્કિંગમાં તેને શાનદાર બોલિંગનું ઈનામ મળ્યું છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે વિશ્વનો નંબર ટૂ બોલર બની ગયો છે. તો બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફીઝુર રહમાન આઠ સ્થાનના ફાયદા સાથે ટોપ-૧૦માં સામેલ થઈ ગયો છે. 

મુસ્તફીઝુર નવા રેન્કિંગમાં નવમાં સ્થાને પહોંચી ગયો છે. બુમરાહ એક સ્થાનના નુકસાન સાથે પાંચમાં નંબરે આવી ગયો છે. અફઘાનિસ્તાનનો મુઝીબ-ઉર રહમાન એક સ્થાનના નુકસાન સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી પણ એક સ્થાનના નુકસાન સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ટોપ-૧૦ વનડે બોલરોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો કગિસો રબાડા છઠ્ઠા સ્થાને, ઈંગ્લેન્ડનો ક્રિસ વોક્સ સાતમાં, ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ આઠમાં સ્થાને છે. 

પેટ કમિન્સ રેન્કિંગમાં ૧૦માં સ્થાને છે. મુસ્તફીઝુર રહમાને શ્રીલંકા સામે બે વનડેમાં છ વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશે સિરીઝની પ્રથમ બન્ને મેચ જીતી ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે.