આણંદ : આણંદ શહેરના વોર્ડ નં.૧માં ઇસ્કોન મંદિર પાછળ આવેલી વિવિધ સોસાયટી વિસ્તારમાં છેલ્લાં ૧૦ વર્ષથી પાયાની સુવિધાનો અભાવ છે. આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણીના નિકાલ છે. ચોમાસામાં આ વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી બેથી ત્રણ ફૂટ ભરાઈ જતાં હોવાથી રહીશોના ઘરોમાં ઘૂસી જાય છે. દર વર્ષે લોકોની ઘર વખરી સહિત ફર્નિચર વગેરેને ભારે નુક્સાન થઈ રહ્યું છે. આજ સુધી ન તો તંત્રએ કે ન તો કોઈ નેતાએ સ્થાનિકોની આ સમસ્યા તરપ ધાય્ન આપ્યું છે. પરિણામે આ વિસ્તારની ૧૮થી વધુ સોસાયટીના રહીશોએ વરસાદી પાણીનો નિકાલ નહીં તો વોટ નહીંના બેનર બનાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.

સ્થાનિક લોકોનું જણાવવું છે કે, અમે શહેરી વિસ્તારમાં રહેતાં હોવા છતાં પાયાની સુવિધા બાબતે અમારી ગ્રામ્યથી પણ ખરાબ હાલત છે. કેટલીક સોસાયટીમાં આજે પણ કાચા રસ્તા છે. અસહ્ય ગંદકીના ઢગ ખડકાયેલા છે. કોઇ કચરો લેવા કે સફાઇ કરવા માટે આવતું નથી. ગટર લાઇનની સુવિધાનો અભાવ છે. સ્થાનિક દ્વારા નિયમિત ટેક્સ ભરવા છતાં કોઇ સુવિધા પુરી પાડવામાં આવતી નથી. આખરે અહીંના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિકોનું એમ પણ કહેવું છે કે, વોર્ડ નં-૧ નંદાલય હવેલી આસપાસના વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ નિકાલ આવ્યો નથી. આ વખતે ચૂંટણી બહિષ્કાર કરીને કોઇને વોટ નહીં આપવાનો ર્નિણય અમે કર્યો છે.