ડભોઇ, તા.૨૯

આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાથે જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી દેવ, ઢાઢર અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. જેમાં પંચમહાલમાં આવેલા દેવ ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. પરિણામે દેવ, ઢાઢર અને ઓરસંગ નદીના કાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ઢાઢર નદી ગાંડીતુર બની છે ત્યારે ડભોઈ તાલુકાના ૧૦ ગામોને સીધી અસર થવા પામી છે જેવા કે દંગીવાડા,નારણપુરા,કરાલીપુરા, પ્રયાગપુરા, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે બંબોજ ગામે કેડ સમા પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તેવામાં શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા દરેક કાંઠા વિસ્તારના ગામોમાં તલાટી કમ મંત્રીઓને ગામમાં રહેવાની સૂચના છતાં પણ બંબોજ ગામે તલાટી ક્રમ મંત્રી ગેરહાજર રહેતા ગ્રામજનોની ચિંતામાં વધારો નોંધાયો છે એટલું જ નહીં બીજી બાજુ નદીના પાણીમાં મગરો આવી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.હાલ વરસાદ બંધ હોવાને કારણે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.ઢાઢર નદીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવામાં તંત્ર એક્સનમાં આવી ગયું હતું ત્યારે ડભોઇ મામલતદાર ડી.વી.ગામીત તેમજ કસ્બા તલાટી પ્રવીણભાઈ જાેષી દ્વારા ટ્રેક્ટર માં બેસી તમાતા ગામોની મુલાકાત કરવામાં આવી હતી અને ગામોના પ્રશ્નો સાંભળ્યા હતા એટલું જ નહીં બંબોજ ગામના લોકો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી કે ડભોઇ તાલુકા નો કોતર વિસ્તાર સાફ કરવામાં આવે તો આવી પૂરની પરિસ્થિતિનું સર્જન ના થાય મામલતદાર દ્વારા તમામ કામો કરી આપવાની બાહેધરી પણ ગ્રામજનોને આપી હતી સાથે ગ્રામજનોને ભેગા કરી સતર્ક રહેવા જણાવ્યું હતું. સાથે સાથે નદીના પાણીથી આવી ગયેલા મગરોને પણ પકડવા માટે ફોરેસ્ટ વિભાગ ને સૂચના આપવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં દેવ ડેમનું પાણી છોડવામાં આવે તો તમામ પરિસ્થિતિઓને સંભાળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.