વડોદરા : તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરમાં મહિલાઓ અને વૃદ્ધોને મદદ કરવાના હેતુથી ‘શી’ ટીમ દરેક પોલીસ મથકમાં ઊભી કરી હતી. ગોરવા પોલીસ મથકની ‘શી’ ટીમે આજે એક બળાત્કારના આરોપીને ઝડપી પાડયો હતો. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને મદદ માટે વડોદરા શહેરના પોલીસ મથકોમાં ‘શી’ ટીમ બનાવવામાં આવી છે. મુંબઈમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ વડોદરામાં આશરો લેનાર આરોપીને ‘શી’ ટીમે ઝડપી પાડયો હતો અને મહારાષ્ટ્રની અંબોલી પોલીસને સોંપ્યો હતો.

મહારાષ્ટ્રના મુંબઈના અંબોલી પોલીસ મથક વિસ્તારમાં થયેલા બળાત્કારના કેસની ફરિયાદી મહિલા વડોદરા આવી હતી અને શહેરના ગોરવા પોલીસ મથકના પીઆઈ આર.સી.કાનમિયા સાથે મુલાકાત કરી હતી અને તેણીની સાથે બળાત્કાર કરનાર આરોપીએ વડોદરાના ગોરવા વિસ્તારમાં આશરો લીધો હોવાની વાત રજૂ કરી હતી, જેથી આરોપીને પકડવાની કામગીરી ‘શી’ ટીમને સોંપવામાં આવી હતી. ‘શી’ ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપી નિમેષ અમરભાઈ વસેટા (રહે. અંધેરી-ઈસ્ટ, મુંબઈ)ને ગોરવા વિસ્તારના નીપા એપાર્ટમેન્ટમાંથી ઝડપી પાડયો હતો અને આરોપીને મુંબઈની અંબોલી પોલીસને સોંપ્યો હતો.

તાજેતરમાં જ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાના ગાંધી નગરગૃહ ખાતેથી રેલીને ફલેગ ઓફ કરીને ‘શી’ ટીમનો પ્રારંભ કરાવ્યો હતો. મહત્ત્વનું છે કે મહિલાઓ પરના અત્યાચાર તેમજ છેડતીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે શહેર પોલીસની આ ‘શી’ ટીમ સતત પેટ્રોલિંગ કરી મહિલાઓને સુરક્ષા પ્રદાન કરે છે. ‘શી’ ટીમની વિશેષતા અંગે એક ટીમમાં ૬ મહિલા સભ્યો હોય છે. આ તમામ મહિલાઓ સુશિક્ષિત તેમજ તાલીમબદ્ધ હોય છે. ઘરેલું હિંસાના કિસ્સાઓમાં ‘શી’ ટીમ પોલીસ તેમજ અભયમ્‌ સાથે સંકલન કરીને ભોગ બનનારનું કાઉન્સેલિંગ પણ કરે છે. આવનાર સમયમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ‘શી’ ટીમ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે મદદરૂપ થવા માટે દરેક પોલીસ મથકોમાં એક ‘શી’ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમોને પોલીસવાન પણ ફાળવવામાં આવી છે. ઘરેલું હિંસાના કેસોમાં અભયમ્‌ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંપર્ક રાખી કામ કરાશે. મહિલા પોલીસની વિશેષ ટીમો ખૂલ્લા મેદાનોમાં પણ પેટ્રોલિંગ કરી વૉચ રાખશે, જ્યારે વિદેશ કે અન્ય રાજ્યોમાંથી લાવી દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલાતી યુવતીઓને બચાવવામાં મદદરૂપ થશે. મહિલાઓને જરૂર જણાશે તેમને મનોચિકિત્સકો પાસે કાઉન્સેલિંગ પણ કરાવવાનું કામ કરશે.