જો કોઇ રૂદ્રાક્ષ ખરાબ હોય, તૂટલો-ફૂટેલો હોય અથવા ગોળ ન હોય તો આવા રૂદ્રાક્ષને ધારણ કરવાથી બચવું જોઇએ. જે રૂદ્રાક્ષમાં નાના-નાના દાણા બહાર ન આવતાં હોય, તેવો રૂદ્રાક્ષ પહેરવો જોઇએ નહીં.

રૂદ્રાક્ષ સોમવારે ધારણ કરવો જોઇએ. કોઇ અન્ય શુભ મુહૂર્તમાં પણ રૂદ્રાક્ષ ધારણ કરી શકાય છે. રૂદ્રાક્ષને કાચા દૂધ, પંચગવ્ય, પંચામૃત અથવા ગંગાજળ છાંટીને પવિત્ર કરવો જોઇએ.

અષ્ટગંધ, કેસર, ચંદન, ધૂપ-દીપ, ફૂલ વગેરેથી શિવલિંગ અને રૂદ્રાક્ષની પૂજા કરવી જોઇએ. શિવમંત્ર ૐ નમઃ શિવાયનો જાપ 108વાર કરવો જોઇએ. લાલ દોરામાં, સોનામાં કે ચાંદીના તારમાં રૂદ્રાક્ષ ધારણ કરી શકો છો. રૂદ્રાક્ષ ધારણ કર્યા બાદ રોજ સવારે શિવજીની પૂજા કરવી જોઇએ.

જે લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે, તેમણે અધાર્મિક કાર્યોથી બચવું જોઇએ. માંસાહાર અને નશાથી દૂર રહેવું જોઇએ. રૂદ્રાક્ષ ત્રણ પ્રકારના હોય છે. થોડાં રૂદ્રાક્ષ આંબળાના આકારના હોય છે. આ રૂદ્રાક્ષ સૌથી સારા માનવામાં આવે છે. થોડાં રૂદ્રાક્ષ બોર સમાન હોય છે, તેમને મધ્યમ ફળ આપનાર માનવામાં આવે છે. ત્રીજા પ્રકારના રૂદ્રાક્ષનો આકાર ચણા સમાન હોય છે. આ રૂદ્રાક્ષને સૌથી ઓછું ફળ આપનાર માનવામાં આવે છે.