સામાન્ય રીતે ગુરુ શબ્દનો પ્રયોગ હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મમાં વધુ પ્રચલિત છે. ગુરુ શબ્દમાં બે શબ્દ સમાયેલા છે. જેમાં 'ગુ'નો અર્થ થાય છે 'અંધકાર'. અને 'રુ'નો અર્થ થાય છે 'પ્રકાશ'. એટલે કે વ્યક્તિને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર વ્યક્તિ એટલે જ ગુરુ. આવાં ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવાનો અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા. પણ, શું તમને ખબર છે કે આ ગુરુ પૂર્ણિમાને શા માટે કહેવાય છે વ્યાસ પૂર્ણિમા ? અષાઢ સુદ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. પણ, વાસ્તવમાં આ અષાઢી પૂર્ણિમા એ તો વેદોનો વિસ્તાર કરનારા વેદ વ્યાસજીને જ સમર્પિત છે. એ અષાઢ સુદ પૂનમનો જ અવસર હતો કે જ્યારે ધરતી પર વેદ વ્યાસજીનું અવતરણ થયું.

વેદ વ્યાસજીએ વેદો અને પુરાણો રૂપે આ ધરતીને જ્ઞાનનો જે મહાસાગર આપ્યો છે તેની તુલના કોઈની પણ સાથે શક્ય નથી. એટલે જ જ્ઞાનના આ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ભક્તોએ અષાઢ સુદ પૂર્ણિમાને 'ગુરુ વ્યાસ પૂર્ણિમા' તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો. જે આજે 'ગુરુ પૂર્ણિમા' તરીકે વધુ પ્રચલિત છે. વેદવ્યાસજી એ ઋષિ પરાશર અને મત્સ્ય કન્યા સત્યવતીના પુત્ર હતા. ઋષિ પરાશરની શ્રેષ્ઠ પુત્રની ઝંખનાને વશ થઈ સત્યવતીએ લગ્નપૂર્વે જ વ્યાસજીને જન્મ આપ્યો હતો. તે સમયે સત્યવતી ગુપ્ત રીતે એક દ્વીપ પર રહ્યા હતા. અને એટલે જ જન્મ સમયે વેદ વ્યાસજીનું નામ પડ્યું 'દ્વૈપાયન'. તો શ્યામ વર્ણના લીધે લોકો તેમને 'કૃષ્ણ દ્વૈપાયન' કહીને સંબોધતા.

દંતકથા અનુસાર કૃષ્ણ દ્વૈપાયન જન્મતાની સાથે જ બદરિકાશ્રમ પ્રસ્થાન કરી ગયા હતા. જેના લીધે તે 'બાદરાયણ'ના નામે પ્રસિદ્ધ થયા. પુરાણોમાં બાદરાયણનો શ્રી વિષ્ણુના એકવીસમાં અવતાર તરીકે ઉલ્લેખ છે. લોકોની સમજ માટે તેમણે વેદોનો વિસ્તાર કર્યો. જેના લીધે લોકોએ તેમને વેદ વ્યાસ કહીને વધાવ્યા. વેદ વ્યાસજીએ અઢાર પુરાણો અને અનેક ઉપપુરાણોની રચના કરી. સામાન્ય લોકોને નીતિ-અનીતિનું સરળ શબ્દોમાં જ્ઞાન કરાવવા મહાભારતની રચના કરી. વ્યાસજીની મહાનતમ રચનાઓને લીધે એ તેમને મહર્ષીનું ઉપનામ પણ અપાયું. અને જે 'પીઠ' પર તે બેસતા તેનું 'વ્યાસપીઠ' તરીકે બહુમાન કરાયું. જ્ઞાનના ધોધ સરીખાં વ્યાસજી એટલે તો સર્વશ્રેષ્ઠ ગુરુવર. જેમની સ્મૃતિને અકબંધ રાખવા જ થયો ગુરુ પૂર્ણિમાનો પ્રારંભ.