આણંદ : આણંદના તારાપુરમાં અમીનપ્લાઝા કોમ્પ્લેક્સમાં મામલતદાર દ્વારા દરોડો કરવામાં આવતાં એક દુકાનમાંથી ૧૬૪૦ લિટર બજાર કિંમત રૂ. ૯૮,૪૦૦નું બાયોડીઝલ ગેરકાયદે રીતે સંગ્રહ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. સંગ્રહ કરેલાં બાયોડીઝલના ૭ કારબા અને ૨ બેરલ ભરેલાં મળી આવ્યા હતા. જાેકે, આ સાથે બીજા ૬ કારબા, પાંચ બેરલ અને ૩ પ્લાસ્ટિક ટેન્ક ખાલી મળી આવી હતી. ઉપરાંત બાયોડીઝલ ભરવા ઇલેક્ટ્રિક મોટર અને માપિયા પણ મળી આવ્યા હતા. તારાપુર મામલતદાર દ્વારા તમામ જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદ જિલ્લાના તારાપુર ખાતે અમીનપ્લાઝા કોમ્પ્લેક્સમાં એક દુકાનમાંથી ગેરકાયદે બાયોડીઝલના વેચાણ બાબતે એસઓજી દ્વારા એક અઠવાડિયા પૂર્વે મામલતદારને જાણ કરવામાં આવી હતી. તારાપુર મામલતદાર દ્વારા આ બાબતે દરોડો પાડી ચકાસણી કરતાં ગેરકાયદે બાયોડીઝલના સંગ્રહનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તમામ જથ્થો બિલ વિનાનો નીકળતાં બાયોડીઝલના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.

સૂ૬ોનું કહેવું છે કે, બાયોડીઝલનો ગેરકાયદે સંગ્રહ કરનારાં અફઝલભાઈ અબ્બાસભાઈ વ્હોરાએ ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જાહેરનામાની જાેગવાઈઓનો ભંગ કર્યો છે. આ ઉપરાંત સંગ્રહ કરેલાં જથ્થાવાળી જગ્યાએ માલિકી અને ભાડા કરારના પૂરાવા પણ રજૂ કરી શક્યાં ન હતાં. જાહેર કોમ્પ્લેક્સમાં ખાનગી દુકાનમાં જ્વલંતશીલ પદાર્થ કોઈપણ જાતની મંજૂરી કે સુરક્ષા વિના રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત ઝડપાયેલાં બાયોડીઝલના ખરીદી અંગેના બિલ, વેચાણ અંગેના બિલ, જીએસટી રજિસ્ટ્રેશન કે ફાયર સેફ્ટીના પ્રમાણપત્ર પણ નથી. આ ઉપરાંત હાઇબ્રિડ ડીઝલમાં બી-૧૦૦નું મિશ્રણ કરવા માટે વેચાણ સ્થળે બોર્ડ પ્રદર્શિત કરવું જરૂરી છે, તે પણ દર્શાવેલ નથી.

તમામ બાબતોને ધ્યાને લઈ તારાપુર મામલતદાર દ્વારા બાયો ડીઝલનો ૧૬૪૦ લિટર જથ્થો સીઝ કરી પેટ્રોલિયમ નિયમો ૨૦૨ તથા કેન્દ્ર સરકારના તા.૩૦ એપ્રિલ, ૨૦૧૯ના જાહેરનામા અને ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (પરવાના નિયંત્રણ અને જથ્થા નિયંત્રણ) આદેશ - ૧૯૮૧ તથા ગુજરાત આવશ્યક વસ્તુઓના વેપારીઓનું (નિયમન કરવા બાબત) હુકમ ૧૯૭૭ની જાેગવાઇઓનો ભંગ કરવા બાબતનેે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.