વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો પોતાની સુરક્ષા માટે કોરોનાની રસી લઈ રહ્યા છે, તેવા સમયે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ભાન ભૂલેલા નેતાઓના પાપે કોરોના વાઈરસ શહેર-જિલ્લામાં ફરી એકવાર માથું ઊંચકી તેનો વિકરાળ પંજાે ફરી ફેલાવી રહ્યો છે.

શહેર-જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. હવે ધીમે ધીમે વધી રહેલ સંખ્યાને કારણે આરોગ્ય વિભાગના સત્તાધીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સાથે દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. આજે દિવસ દરમિયાન ૧૧૮ વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરના ચારેય ઝોનમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડયું છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલ મેડિકલ બુલેટિનમાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૧૧૮ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૨૬,૧૭૮ ઉપર પહોંચ્યો હતો, જ્યારે હાલમાં ૬૬૧ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી ૫૪ વેન્ટિલેટર ઉપર, ૧૦૮ ઓક્સિજન ઉપર હોવાનું તેમજ ૪૯૯ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના ચારેય ઝોન અને ગ્રામ્ય વિસ્તારના આંકડા ઉપર નજર કરીએ તો પૂર્વ ઝોનમાં કુલ આંક ૩૮૯૭, પશ્ચિમ ઝોનમાં ૪૩૬૧, ઉત્તર ઝોનમાં ૫૧૪૧, દક્ષિણ ઝોનમાં ૪૭૯૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૯૪૭ દર્દીઓ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે જેમાં પાણીગેટ, તાંદલજા, ફતેપુરા, ગોત્રી, બાપોદ, વારસિયા, નવી ધરતી, યમુના મિલ, વડસર, સુભાનપુરા, ગોરવા, સવાદ, રામદેવનગર, આજવા રોડ, ભૂતડીઝાંપા, સોમા તળાવ, માંજલપુર, માણેજા, દંતેશ્વર, પ્રતાપનગર અને કારેલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે જ્યારે ગ્રામ્યના ગોરજ, રણોલી, ડભોઈ-અર્બન, રતનપુર, કરચિયા, પાદરા, ભાયલીનો સમાવેશ થાય છે.

જ્યારે ર૪ કલાકમાં કોરોનાથી એક પણ મોત ન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રરમી માર્ચ સાંજના પાંચ વાગ્યા સુધી શહેરમાં કુલ ૩૯૯૧ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૩૮૯૭ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૧૧૮ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી.

હવેથી હોસ્પિટલ કોરોનાના દર્દીને ફૂટબોલ માફક ફંગોળી શકશે નહીં ઃ હોસ્પિટલોની જવાબદારી

વડોદરા. વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે શહાલ શહેર વિસ્તારમાં પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ના કેસોની પરીસ્થિતિ વિકટ ન બને તે માટે તમામ હોસ્પિટલોને સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. હોસ્પિટલ ખાતે આવનાર તમામ દર્દીને જરુરી પ્રાથમિક સારવાર આપવાની રહેશે. દર્દીને દાખલ કરવાની જરૂરિયાત જણાય અને આપને ત્યાં બેડ ઉપલબ્ધ ન હોય તો આપના કલસ્ટરમાં નજીકની કોઈ પણ હોસ્પિટલ ખાતે તેઓની જરુરી સંકલન કરી દાખલ કરાવવાના રહેશે. જાે આપના કલસ્ટરમાં બેડ ઉપલબ્ધ ન હોય તો અન્ય કલસ્ટરની હોસ્પિટલ અથવા નીચે જણાવેલ ૦૪ હોસ્પિટલ તે પૈકીની હોસ્પિટલ સાથે જરુરી સંકલન કરી દર્દીને ગાઈડલાઈન્સ મુજબ શીફટ કરવાના રહેશે. દર્દીને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ખાતે શીફટ કરવા માટે ૧૦૮ની મફત રેફરલ સેવાનો ઉપયોગ કરવાનો રહેશે. આ કાર્યપધ્ધતિ અનુસરવા અને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

જે.પી.પટેલની નોડલ ઓફિસર તરીકે નિમણૂક

વડોદરા. વડોદરા શહેરની તમામ કોવિડ-૧૯ની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન, દવાઓ, ઈન્જેકશનોને કોઈપણ પ્રકારના વિઘ્ન વિના સતત અને સરળતાથી પુરવઠો મળી રહે એ માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગના આસિ. કમિશનર જે.પી.પટેલની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.