બનાસકાંઠા : બનાસકાંઠામાં બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. આજ દિવસ સુધીમાં બટાકાનો ભાવ ક્યારે ૮૦૦ રૂપિયા નથી થયો, પરંતુ આ વર્ષે ૮૦૦ રૂપિયા પ્રતિ મણનો ભાવ મળતા પાંચ વર્ષની મંદીનો માર સરભર થયો છે. બનાસકાંઠામાં કોરોના મહામારીના સમયમાં બટાટાના વેપારીઓ અને ખેડૂતોને ઘી કેળા જેવી સ્થિતિ બની છે. ડીસા શહેર બટાકા નગરી તરીકે ઓળખાય છે. દર વર્ષે લાખો ટન બટાકાનું ઉત્પાદન ડીસા અને તેની આજુબાજુના વિસ્તારમાં થાય છે. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ મંદીનો માર ઝીલી રહ્યા હતા. વારંવાર સરકાર પાસે સહાયની અપેક્ષા પણ કરી રહ્યા હતા. પરંતુ આ વર્ષે ભલે બીજા બધા ધંધામાં મંદી હોય પરંતુ બટાકા પકવતા ખેડૂતો અને વેપારીઓને મંદી નથી .અત્યાર સુધીમાં ઐતિહાસિક કહી શકાય તેવા ૮૦૦ રૂપિયા પ્રતિ મણ બટાકાના ભાવ થતાં ખેડૂતોને વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે. વેપારીઓ અને ખેડૂતોનું કહેવું છે કે પાંચ વર્ષમાં જે નુકસાન તેમણે ભોગવ્યું છે તે આ વર્ષે તેજીના કારણે સરભર થશે. કોરોના મહામારીના કારણે બટાકાના ભાવ ઊંચકાયા હોય તેવું વેપારીઓનું માનવું છે. આ વર્ષે બટાકાનું વાવેતર પણ ઓછું થયું હતું અને તેનું ઉત્પાદન પણ ઓછું છે. જેના કારણે કોલ્ડ સ્ટોરેજમાં જે સંગ્રહ થતો હતો તે ઘટ્યો હતો. આ ઉપરાંત કોરોના મહામારીના કારણે નોન-વેજિટેરિયન લોકો વેજિટેરિયન ખોરાક તરફ વળ્યા છે. તેના કારણે બજારમાં બટાકાની માંગ વધી છે. આ બધા સમીકરણોને કારણે બટાકાના ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચ્યા છે. વેપારીઓનું માનીએ તો બજારમાં બટાટા-ડુંગળીની કૃતિમ અછત ઉભી કરાઈ છે અને એના કારણે આ બાવ વધ્યા છે. બાકી કોલ્ડ સ્ટોરેજોમાં બટાટા જથ્થાબંધ પડ્યા છે. ગરીબોના ઘરમાં પણ આસાનીથી સુલભ એવા ડુંગળી બટાટા હવે ગરીબોના ઘરમાં દેખ્યા જડતા નથી.