અરવલ્લી, તા.૨૫ 

અરવલ્લી જિલ્લામાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ખનીજ માફિયાએ અનેક તળાવો, ગૌચર અને સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનન અને વહન મોટા પ્રમાણમાં થયું હોવાની બૂમો ઉઠી રહી છે. જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ તંત્રની અમી દ્રષ્ટિએ હેઠળ બેફામ બની ખનન કરી કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે.

જિલ્લા ખાણ ખનીજ તંત્રના કેટલાક કર્મીઓની કામગીરીના પગલે કેટલાક ખનન માફિયાઓ કોઈ પણ પ્રકારની મંજૂરી કે લીઝ વગર મનફાવે ત્યાં ધાપ બોલાવી ખનીજ ચોરી કરી દેતા હોય છે. ખનીજ તંત્રના દરોડામાં પણ તોડ ન થાય તો જ કાયદાકીય અને દંડની કાર્યવાહી થતી હોવાનું પ્રકૃતિ પ્રેમીઓએ જણાવી રહ્યા છે.માલપુર તાલુકાના ઉભરાણના તળાવમાં ખનીજ માફિયાઓએ છેલ્લા બે મહીનાથી ગેરકાયદેસર ખનન કરી કરોડો રૂપિયાની માટી ચોરી કરી લાખ્ખો રૂપિયાનો સરકારી તિજોરીને ચૂનો લગાવવાની સાથે તળાવ નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી જવાની દહેશત પેદા થતા લોકો ફફડી ઉઠ્‌યા છે. ખનીજ માફિયાઓની દાદાગીરી સામે ગામ લોકો લાચારી અનુભવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવી તળાવમાંથી માટી ક્યાં ઘર કરી ગઈ તપાસ કરી ખનીજ માફિયાઓ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. જિલ્લા ખાણ ખનીજ અધિકારી રવિ મિસ્ત્રીએ તપાસ ચાલુ હોવાનુ જણાવ્યું હતું. ઉભારણ ગામના તળાવમાં કેટલાક મહિનાઓથી ખનીજ માફિયાઓનો ડોળો ઠરતાં તળાવમાંથી ગેરકાયદે રાત્રીના સુમારે જેસીબી મશીનથી ૪૦ થી ૬૦ ફૂટ ઉંડાઉં માટી ઉલેચવાનું ચાલુ રાખતા તળાવથી માત્ર ૧૦૦ મીટર દૂર આવેલા ભોઈવાડા, વણકર,ચમાર, રાવળ, હરિજન ફળીયા અને વાવ બજારમાં પાણી ધૂસી જવાની દહેશત પેદા થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

તળાવની નજીક આવેલ સ્મશાનમાં મૃતદેહ દફનાવેલી જગ્યામાંથી પણ માટીનું ખનન કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાથી વહીવટી તંત્ર અજાણ રહેતા લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. ખાણ ખનીજ વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેમ ખનીજ માફિયાઓને છુટ્ટો દોર મળી ગયો છે.

બેફામ બનેલા ખનીજ માફિયાઓ મનફાવે ત્યાંથી ખનીજનું ખનન કરી રહ્યા છે. ઉભારણ તળાવમાંથી ખનીજ માફિયાઓ કરોડો રૂપિયાનું માટીનું ખનન કરી ગેરકાયદે વેપલો કરી સરકારી તિજોરીને લાખ્ખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની બૂમો ઉઠી છે.જિલ્લા ખાણ ખનીજ તંત્રે તળાવમાંથી માટીનું ખનન થયું છે કે નહિ તે માટે સર્વે કરવા ટીમ મોકલી આપવામાં આવી હોવાનું ખાણ ખનીજ અધિકારી રવિ મિસ્ત્રીએ જણાવ્યું હતું.