આણંદ : ગુજરાત કોંગ્રેસ ખેડૂત આંદોલનને લઈ આક્રમક થઈ છે. આગામી ચૂંટણીઓમાં આ આંદોલનની સંવેદનાને રાજકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. આણંદ જિલ્લાના સ્થાનિક ખેડૂતો કોઈ જ આંદોલનનો હિસ્સો નથી થઈ રહ્યાં, ત્યારે કોંગ્રેસ દ્વારા દિલ્હી ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આણંદમાં યોજ્યો હતો.  

આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમનાં કુટુંબીજનોને સાંત્વના આપવા ટાઉન હોલ પાસે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળે આ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલાં ખેડૂતોના ફોટાને પુષ્પાંજલી કરવામાં આવી હતી. બાદમાં ધરણા સ્વરૂપે કાર્યકરો સ્થળ ઉપર બેસી જતાં આણંદ પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર સહિત અગ્રણી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારે કેન્દ્રીય કૃષિ સુધારા વિધેયકને ખેડૂત હિત વિરોધી કાયદો ગણાવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, આ કાળા કાયદાને દૂર કરવા જે ખેડૂતોએ શહીદી વ્હોરી છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના કુટુંબીજનોને સાંત્વના આપવા આણંદ કોંગ્રેસ દ્વારા આ ધરણા સભા કરવામાં આવી છે.