લંડન-

બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બની શકે છે જ્યાં કોવિડ ચેલેન્જ ટ્રાયલ અંતર્ગત કોરોના વાયરસ જાણી જાેઈને માનવ શરીરમાં દાખલ કરવામાં આવશે. વોલેન્ટિયર્સ પર થનાર આ ટ્રાયલનો હેતુ સંભવિત કોરોના વાયરસ રસીની અસરને તપાસવાનો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ પ્રયોગ લંડનમાં કરાશે. બ્રિટનની સરકારે કહ્યું કે તે હ્યુમન ચેલેન્જ અભ્યાસ દ્વારા રસી બનાવવાને લઇ વિચાર વિમર્શ કરી રહ્યુ છે.

રિપોર્ટ અનુસાર અત્યારે આવા કોઈ કરાર પર હસ્તાક્ષર થયા નથી. સરકારના એક પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા સહયોગીઓની સાથે કામ કરી રહ્યા છે જેથી કરીને એ સમજી શકાય કે આ હ્યુમન ચેલેન્જ સ્ટડી દ્વારા સંભવિત કોરોના વાયરસ રસીને લઇ કેવી રીતે મદદ કરી શકે છે. તેમણે કહ્યુ કે આ ચર્ચા આપણા કોરોના વાયરસને રોકવા અને તેની સારવાર માટે કરાઇ રહેલા પ્રયાસોનો હિસ્સો છે જેથી કરીને આપણે આ મહામારીનો ઝડપથી ખાત્મો કરી શકીએ.

કોરોના વાયરસના ખાત્મા માટે રસીના વિકાસનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આખી દુનિયામાં 36 કોરોના વાયરસ રસીનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. તેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી, અમેરિકા અને ચીનની રસી પોતાના અંતિમ તબક્કામાં છે. રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના વાયરસ રસી બનાવાનો દાવો કર્યો છે. જાેકે વિશ્વના ઘણા દેશોએ રશિયન દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે બ્રિટિશ સરકારના આ કોરોના ચેલેન્જ ટ્રાયલમાં ભાગ લેવા માટે દેશના મોટી સંખ્યામાં યુવા અને સ્વસ્થ વોલેન્ટિયર્સ તૈયાર છે. આ ટ્રાયલથી તત્કાલ એ ખબર પડશે કે શું કોરોના વેકસીન કામ કરે છે કે નહીં. તેનાથી કોરોના માટેની સૌથી અસરકારક રસી ઝડપથી પસંદ કરવામાં આવી શકશે. ટ્રાયલમાં ભાગ લેનારા લોકોની લંડનમાં 24 કલાક દેખરેખ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રયોગ જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે.