કોલંબો

સૂર્યકુમાર યાદવ 50 અને કેપ્ટન શિખર ધવનની 46 રનની શાનદાર ઇનિંગ્સ અને ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગના કારણે ભારતે પ્રથમ ટી-20 માં શ્રીલંકાને 38 રનથી હરાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 126 રનમાં ઘટી ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. ટીમ ઇન્ડિયા તરફથી ભુવનેશ્વર ઉપરાંત દિપક ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વરને તેની શ્રેષ્ઠ બોલિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેણે 3.3 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. 

ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી કારણ કે નવોદિત પૃથ્વી શો ગોલ્ડન ડક (0) પર આઉટ ગયો હતો. તેને દુષ્યંત ચમિરાએ શિકાર બનાવ્યો હતો. આ પછી કેપ્ટન ધવન અને સંજુ સેમસન (27) એ બીજી વિકેટ માટે 51 રનની અડધી સદીની ભાગીદારી નોંધાવી ટીમના સ્કોરને આગળ ધપાવી. ત્યારબાદ ધવન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. આ સિવાય ઇશાના કિશન 20 રને અણનમ અને હાર્દિક પંડ્યાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ શ્રીલંકા તરફથી વનિંદુ હસારંગા અને દુષ્મન્થ ચમિરાએ 2-2 વિકેટ લીધી હતી. આ અગાઉ ભારત અને શ્રીલંકા બંને ટીમોમાં બે ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતું. ભારત તરફથી પૃથ્વી શો અને વરૂણ ચક્રવર્તી જ્યારે શ્રીલંકા તરફથી ચરિત્ર અસલાન્કા અને ચામિકા કરુનારાત્નેની ડેબ્યૂ મેચ હતી.