મુંબઇ-

ગયા માર્ચ મહિનામાં, ભારતે સોનાની કરેલી આયાતનો આંકડો ગયા વર્ષના માર્ચની સરખામણીમાં ૪૭૧ ટકા વધી ગયો છે. ભારતની સોનાની આયાતનો આંકડો ૧૬૦ ટન જેટલો વધી ગયો છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. સોનાની આયાત પરના વેરાઓમાં કરવામાં આવેલો ઘટાડો અને સોનાની ઘટી ગયેલી કિંમતને કારણે લોકો તથા ઝવેરીઓ સોનું ખરીદવા માટે આકર્ષિત થયા હોય એવું માનવામાં આવે છે.

સોનાની આયાતમાં થયેલા આ વધારાને કારણે ભારતની વ્યાપાર ખાધ વધી ગઈ છે અને ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું છે. ભારતે ગયા માર્ચમાં ૩૨૧ ટન સોનાની આયાત કરી હતી. ૨૦૨૦ના માર્ચમાં આ આંકડો ૧૨૪ ટન હતો. કિંમતની દ્રષ્ટિએ, ભારતે ગયા માર્ચમાં ૮.૪ અબજ ડોલરની કિંમતના સોનાની આયાત કરી હતી જ્યારે ગયા વર્ષના માર્ચમાં ૧.૨૩ અબજ ડોલર સોનાની આયાત કરી હતી. ગયા ફેબ્રુઆરીમાં, ભારત સરકારે સોનાની આયાત પરની જકાતને ૧૨.૫ ટકાથી ઘટાડીને ૧૦.૭૫ ટકા કરી હતી. સરકારનો ઉદ્દેશ્ય રીટેલ ડિમાન્ડને વધારવા અને સોનાની દાણચોરી ઘટાડવાનો હતો.