લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, સપ્ટેમ્બર 2026 |
3069
ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઈ ૨૧૦૨માં મંગળવારે સવારે ટેકઓફ બાદ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ફ્લાઇટે સવારે આશરે ૯:૧૬ વાગ્યે ગોવાના મોપા એરપોર્ટ પરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. જાેકે, ટેકઓફના થોડા સમય બાદ વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી.
એન્જિનમાં સમસ્યાની જાણ થતાં પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને વિમાનને પરત ગોવા તરફ વાળવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સવારે આશરે ૯:૩૦ વાગ્યે મોપા એરપોર્ટ પર ‘ફુલ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી. ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ એરપોર્ટ પર ફાયર ફાઇટર્સ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા.
એન્જિનમાં ખામી સર્જાયા બાદ પાયલોટે વિમાનને નિયંત્રિત રીતે પરત મોપા એરપોર્ટ તરફ વાળ્યું હતું. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાન સુરક્ષિત રીતે રનવે પર ઉતર્યા બાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે.
હાલ એન્જિનમાં ચોક્કસ કયા પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેની વિગતવાર માહિતી સામે આવી નથી. વિમાનનું નિરીક્ષણ કરવા માટે ટેકનિકલ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.