વડોદરા : શહેરના છેવાડે વેમાલી ખાતે આવેલા પાર્ટીપ્લોટમાં આયોજીત લગ્નપ્રસંગમાં શહેરના પુર્વકોર્પોરેટરે ભીડ વચ્ચે રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કરવાનો વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં અને આ વિડીઓઓમાં કોર્પોરેટરની ઓળખ પણ છતી થવા છતાં તાલુકા પોલીસે આ બનાવમાં ગુનો નોંધવાના બદલે પોલીસ ચોપડે ફાયરીંગ કરનાર ઈસમની ઓળખ થવા અને તેણે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે કેમ ? તેની તપાસ કરવા જેવી સાવ વાહિયાત જાણવાજાેગ નોંધ કરી ગાળિયો કાઢવાનો પ્રયાસ કરતા તાલુકા પોલીસની કામગીરી ફરી વિવાદમાં સપડાઈ છે.

સમા-સાવલી રોડ પર પાલખી પાર્ટી પ્લોટની માલિકીની દીકરીના આશરે બે માસ અગાઉ યોજાયેલા લગ્નપ્રસંગમાં ભાજપાના વોર્ડ નં.રના માજી કાઉન્સિલર અને હાલમાં એરપોર્ટ સલાહકાર સમિતિના સભ્ય અરવિંદ પ્રજાપતિએ રિવોલ્વરથી ભરચક ભીડ વચ્ચે હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગની વિડીઓ ક્લિપ પહેલા ભાજપના જ સોશિયલ મીડિયા ગ્રૂપમાં અને ત્યારબાદ સોશ્યલ મિડિયા અને માધ્યમોમાં વાયરલ થતાં ભારે ચકચાર મચી હતી. લગ્નપ્રસંગમાં થયેલી ભીડમાં આ રીતે હવામાં ફાયરીંગ કરી જાનમાલને જાેખમ કરવાના બનાવની વિડીઓ ક્લિપમાં ફાયરીંગ કરનાર પુર્વકોર્પોરેટરનો ચહેરો અને તેમના હાથમાં રિવોલ્વર હોવાનું પણ સ્પષ્ટપણે નજરે ચઢવા છતાં તાલુકા પોલીસે આ બનાવની પોલીસે ચોપડે માત્ર જાણવાજાેગ નોંધ કરી આ બનાવમાં કોઈ ગુનો બને છે કે કેમ તેવો પ્રશ્નાર્થ કરીને ગાળિયો કાઢવાનો પ્રયાસ કરતા તાલુકા પોલીસની કામગીરી ફરી વિવાદમાં સપડાઈ છે.

વાહિયાત નોંધ.. અજાણ્યો ઈસમ અને રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ

આવા ગંભીર બનાવની તુરંત ફરિયાદ નોંધવાના બદલે તાલુકા પોલીસે એવી વાહિયાત જાણવાજાેગ નોંધ કરી છે કે વેમારી ગામે પાલખી પાર્ટી પ્લોટમાં એક કાળા જેવા કલરનો શુટ પહેરેલા અને માથે ગુલાબી રંગનો ફેંટો બાંધેલા અજાણ્યા ઈસમે લગ્નપ્રસંગમાં પોતાના હાથમાં રિવોલ્વર જેવા હથિયારથી હવામાં ફાયરીંગ કરેલ હોય જેની વિડીઓ ક્લિપ સોશ્યલ મિડિયા અને ન્યુઝ પ્રિન્ટ મિડિયા મારફતે વાયરલ થયેલ હોઈ જે અજાણ્યા ઈસમની ઓળખ થવા તેમજ તેણે કોઈ ગુનાહિત કૃત્ય કરેલ છે કે કેમ ? તે અંગે તપાસ થવા બાબત

કેસમાં ભીનું સંકેલવા માટે રાજકીય દબાણ કે લેતીદેતી?

જાહેરમાં હવામાં ફાયરીંગ કરનાર અરવિંદ પ્રજાપતિ ભાજપાનો પુર્વ કોર્પોરેટર હોઈ અને તેમની સામે ફરિયાદ નોંધાય તો ભાજપાની આબરુ ખરડાય તેમ હોઈ આ કેસમાં ભીનું સંકેલવા માટે તાલુકા પોલીસ પર સત્તાધારી પક્ષ ભાજપા દ્વારા કોઈ દબાણ કરાયું છે ? કે પછી અંદરખાને કોઈ લેતી-દેતી થઈ છે ? તેવી પણ જાણકારોમાં શંકાઓ સેવાઈ રહી છે.

કોરોનામાં બર્થ-ડે ઉજવનારાને તુરંત શોધી કાઢતી પોલીસ આ કેસમાં કેમ ગોથાં ખાય છે?

કોરોનાકાળમાં રાત્રે સુમસામ માર્ગ પર જાહેરમાં માત્ર કેક કાપીને બર્થડે ઉજવનારા યુવકો સામે પોલીસ ગુનો નોંધી બર્થડે બોય અને તેના મિત્રોને ગણતરીના સમયમાં શોધી કાઢીને અટકાયત કરતી હતી પરંતું જાહેરમાં ફાયરીંગ કરવા જેવા ગંભીર બનાવમાં આરોપીની ઓળખ છતી થઈ હોવા છતાં તાલુકા પોલીસે હજુ સુધી ફરિયાદ નહી નોંધતા પોલીસની બેવડી નિતી સામે પણ નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.