અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યા હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર કરાવી રહ્યાં છે તો જયા બચ્ચન હોમ આઈસોલેશનમાં છે. સૂત્રોના મતે કેટલાંક બાઈક સવારો રાતના સમયે જલસા બંગલાની બહાર રેસ લગાવે છે. રેસના અવાજને કારણે જયા બચ્ચનને મુશ્કેલી પડે છે અને તેમને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે બાઈક સવારોએ જ્યારે રેસ લગાવી હતી ત્યારે જયા બચ્ચને પોતાના ઘરમાંથી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. તેમણે બાઈક સવાર આ રીતે રેસ ના લગાવે તે માટે પોલીસની મદદ માગી હતી. જ્યારે મુંબઈ પોલીસની એક ટીમ જલસા બંગલા આગળ આવી ત્યારે બાઈક સવારો ત્યાંથી નીકળી ગયા હતાં. ત્રણથી ચાર યુવાનોએ રેસ લગાવી હતી.

પોલીસે આગળ કહ્યું હતું કે તેઓ રાત્રે જુહૂમાં રોજ નાકાબંદી કરે છે. હાલમાં રાતના નવથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ છે અને લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ. જે લોકો કારણ વગર ઘરની બહાર ફરે છે તેવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. 

જુહૂ પોલીસના સીનિયર ઈન્સ્પેક્ટર પી એસ વાવ્હલે કહ્યું હતું કે તેમણે જલસા બંગલાની આસપાસ લગાવવામાં આવેલા CCTV ફુટેજની મદદથી બાઈકના નંબર નોંધી લીધા છે અને હવે આ નંબરના આધારે બાઈક સવારોની શોધ કરવામાં આવી છે.

અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં છેલ્લાં 14 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 11 જુલાઈના રોજ બંને હોસ્પિટલમાં દાખલ થયા હતાં. 17 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાને તાવ આવતા બંને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયાં હતાં. માનવામાં આવે છે કે બચ્ચન પરિવારના ચારેય સભ્યોની હાલત સુધારા પર છે.