/
ગુરુ અને શનિ ૩૯૭ વર્ષ બાદ એકબીજાથી ફક્ત ૦.૧ ડિગ્રી દૂર

વડોદરા, તા.૧૯ 

આગામી સોમવાર અને મંગળવારે વડોદરાના આકાશમાં ખૂબ જ અગત્યની ઘટના બનવા જઈ રહી છે. ૩૯૭ વર્ષ બાદ ગુરુ અને શનિ એકબીજાથી ફક્ત ૦.૧ ડીગ્રીના અંતરે રહેશે. આ ઘટના નિહાળવા શહેરના ખગોળવાસીઓ ઘણાં ઉત્સુક છે. આ ઘટનાને અંગ્રેજીમાં ‘ધ ગ્રેટ કન્જન્કશન’ કહેવાય છે. આ વર્ષના ઉત્તર ગોળાર્ધના ટૂંકામાં ટૂંકા દિવસોમાં ગુરુ અને શનિ પૃથ્વીની સાપેક્ષે એકબીજાની ખૂબ નજીક આવી જશે. આ અંતર ૨૧-૨૨મી ડિસેમ્બરે ફક્ત ૦.૧ ડીગ્રી થઇ જશે. આ યુતિ ૩૯૭ વર્ષ બાદ થવા જઈ રહી છે જે વડોદરાના આકાશમાં સૂર્યાસ્ત બાદ નરી આંખે નિહાળી શકાશે. ટેલીસ્કોપમાં બંને ગ્રહો, ગુરુના ચાર ચંદ્ર ( અત્યાર સુધી કુલ ૭૯ શોધાયેલા છે) તેમજ શનિના વલયો દેખાશે. શહેરના આકાશમાં અદભૂત ખગોળીય ઘટના જાેવા ખગોળરસિકો અત્યારથી જ તેની તેની રાહ જાેઈ રહ્યા છે. હાલ સૂર્યાસ્ત બાદ દક્ષિણ-પશ્ચિમમાં આકાશમાં બંને ગ્રહો એકબીજાની ઘણી નજીક છે. ૨૧-૨૨ ડિસેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધના ટૂંકામાં ટૂંકા દિવસોમાં આ બંને ગ્રહો એકબીજાથી ફક્ત ૦.૧ ડીગ્રીના અંતરે આવી જશે. આ ઘટના ૩૯૭ વર્ષ બાદ થવા જઈ રહી છે. અગાઉ વર્ષ ૧૬૨૩ માં આ ઘટના થઇ હતી. ગેલીલેઓએ બનાવેલા પ્રથમ ટેલીસ્કોપના ૧૪ વર્ષ બાદ જ આ ઘટના થઇ હતી. ૨૧-૨૨ મી એ આકાશમાં થનારી આ યુતિ સાથે શનિના વલયો, ગુરુના ચંદ્રો અને અન્ય નક્ષત્રો જાેવા ખગોળરસિકો તલપાપડ છે. ખગોળવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતી એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસિએશન ઓફ વડોદરા (એએએવી) આ ઘટના યુટ્યુબ પર લાઈવ દેખાડશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution