મુંબઇ 

કાજલ અગ્રવાલે મુંબઈના ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌતમ કિચલુ સાથે 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. કાજલે ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા અને ગૌતમે અનિતા ડોંગરેએ ડિઝાઈન કરેલી શેરવાની પહેરી હતી. કાજલ તથા ગૌતમે સોશિયલ મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી હતી. કાજલે લગ્નની વિધિ તથા કોવિડ 19ના સમયમાં લગ્નમાં તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હોવાની વાત કહી હતી.

કાજલ અગ્રવાલે લગ્નની ત્રણ તસવીર શૅર કરી હતી. સૌ પહેલી તસવીરમાં કાજલ પતિ ગૌતમ કિચલુના હાથ પર કિસ કરે છે અને તેણે પોસ્ટમાં કહ્યું હતું, 'મિસમાંથી મિસિસ થઈ ગઈ. મેં મારા વિશ્વાસપાત્ર, સાથી, બેસ્ટ ફ્રેન્ડ તથા સોલમેટ સાથે લગ્ન કર્યા છે. આ બધું તારામાં મેળવીને તથા મારું ઘર તારામાં મેળવીને ઘણી જ ખુશ છું.'

બીજી તસવીરમાં કાજલ તથા ગૌતમે એકબીજાના માથા પર હાથ મૂક્યા છે. કાજલે આ તસવીર પોસ્ટ કરીને કહ્યું હતું, 'અમારા પંજાબી-કાશ્મીરી લગ્નમાં અમે માત્ર જીલાકરાબેલમ વિધિ સામેલ કરી હતી. આ વિધિ મારા તે સંબંધ માટે જરૂરી હતી, જે ગૌતમ તથા દક્ષિણ ભારતની સાથે છે. #Jeelakarrabellam એટલે કે જીલાકરાબેલમ. આ તેલુગુ વેડિંગમાં જીલાકરા (જીરું) તથા બેલમ (ગોળ)ને મિક્સ કરીને એક પેસ્ટ બનાવવામાં આવે છે અને તે પીપળાના પાનમાં લગાવવામાં આવે છે. વરરાજા તથા દુલ્હન એકબીજાના માથા પર આ મૂકે છે અને પંડિત મંત્રોચ્ચાર કરે છે. આ સેરેમની પૂરી થઈ જાય પછી જ દુલ્હન તથા વરરાજા એકબીજાની સામે જુએ છે. આ સેરેમનીનો અર્થ એવો છે કે નવદંપતિ સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપશે અને સાથે રહેશે.'

કાજલે લગ્ન બાદની એક તસવીર પોસ્ટ કરીને કહ્યું હતું, 'લગ્નનું આયોજન કરવું એ એક મોટો પડકાર છે અને તેમાંય મહામારીમાં લગ્ન કરવા સૌથી મુશ્કેલ છે. જોકે, અમે કોવિડ 19ના તમામ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને લગ્નમાં બહુ જ ઓછા મહેમાનો આવ્યા હતા. લગ્નમાં આવનાર તમામ મહેમાનોનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને અમારા વેડિંગ સેલિબ્રેશનમાં જે લોકો પણ સામેલ થયા તેમના માટે બબલ ક્રિએટ કરવામાં આવ્યો હતો. અમારા લગ્નમાં સામેલ થનાર તથા વર્ચ્યુઅલી હાજર રહેનારનો અમે આભાર માનીએ છીએ.'