વડોદરા, તા.૨૭

માનવવસતીમાં વસવાટ કરતા હિંસક પ્રાણીઓના ઘાતકી હુમલાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. બે દિવસ અગાઉ જ રીંછણ અને એક કપિરાજે હિંસક બની બે વ્યક્તિઓ ઉપર કરેલા ઘાતકી હુમલા બાદ આજે વધુ એક તાલુકાના આજાેડ ગામે ઘરઆંગણે રમતી ત્રણ વર્ષીય માસૂમ બાળકી ઉપર આક્રમક બનેલા કપિરાજે ઘાતકી હુમલો કરી ઝનૂનપૂર્વક પગે બચકાં ભરી લેતાં ૬૦ જેટલા ટાંકા આવ્યા હતા. બાળકીને સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ સાથે કપિરાજના આ હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. કપિરાજને પકડવા માટે વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગ એક્શનમોડમાં આવ્યો હતો.

શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક પ્રાણીઓના હુલાઓનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના સીમાડે આવેલ દશરથ ગામ નજીક આજાેડ ગામે પંડયા પરિવાર રહે છે. આ પરિવારની માસૂમ પ્રાચી પંડયા આજે સવારે ઘરઆંગણે ઓટલા પર રમી રહી હતી, એ દરમિયાન વાંદરાઓનું ટોળું આવી પહોંચ્યું હતું. આ ટોળામાં બે મોટા વાંદરાઓ લડતા લડતા ઘરઆંગણે ઓટલા પર રમતી બાળકી પર તૂટી પડયા હતા અને બાળકીને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો અને પગના ભાગે બચકાં ભરી લીધાં હતાં. બાળકીએ બૂમાબૂમ કરતાં વાંદરાઓ નાસી છૂટયા હતા. વાંદરાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ બાળકીને સારવાર માટે છાણી વિસ્તારની શ્રીજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં પગમાં ૬૦ જેટલા ટાંકા આવ્યા હતા. તેણીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ આજાેડ ગામ અને આસપાસના અન્ય ગામોમાં વાનરસેનાનો ખૂબ ત્રાસ વધી ગયો છે. જેને લઈને ગ્રામ્યવિસ્તારોમાં હિંસક પ્રાણીઓના હુમલાથી ભયનું વાતાવરણ ફેલાયું છે. વાંદરાઓનો ત્રાસ દૂર કરવામાં આવે તેવી માગ પંચાયત સમક્ષ કરવામાં આવી છે.