વડોદરા, તા,. ૧૬

ઉધાર લીધેલા નાણાંની સામે આપેલા ચેક બાઉન્સ થવાના કારણે થયેલા કેસોના સેટલમેન્ટ માટે મિત્ર પાસેથી ૩.૯૦ લાખ રૂપિયા ઉધાર લેનાર કારેલીબાગના વેપારીએ મિત્રને પણ બોગસ ચેક આપતા વેપારીને અત્રેની અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી ચેકની રકમના નાણાં ૯૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

કારેલીબાગમાં વીઆઈપીરોડ પર આવેલી ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા રોનક ધર્મેન્દ્ર ઠક્કર કલરનો વ્યવસાય કરે છે. તેના પિતાની દુકાન બંધ થઈ ગયા બાદ ગત ૨૦૨૦માં રોનકે ન્યુવીઆઈપીરોડ પર સિધ્ધાર્થ પાર્ક સોસાયટીમાં રહેતા મિત્ર સૈારીન શાહને જણાવ્યું હતું કે મારી સામે ચેક બાઉન્સ થવાના કેટલાક કેસ કોર્ટમાં ચાલુ છે જેના સેટલમેન્ટ માટે ૩.૯૦ લાખની જરૂર છે. મિત્રને આર્થિક જરૂરિયાત હોઈ સૈારીને તેને ગત ઓક્ટોબર-૨૦૨૦માં ૩.૯૦ લાખ ઉધાર આપતા રોનકે પ્રોમિસરી નોટ આપી હતી જેમાં આ ઉધાર નાણાં છથી આઠ માસમાં પરત આપી દેશે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ રોનકે ગત ઓગસ્ટ-૨૦૨૧માં ઉધાર નાણાંની ચુકવણી પેટે સૈારીનને એક ચેક આપ્યો હતો જે પુરતા નાણાંના અભાવે બાઉન્સ થયો હતો જેથી સૈારીને નોટીસ મોકલ્યા બાદ આ અંગેની અત્રેની એડી.ચીફ જ્યુડી.મેજી.મોહંમદઝૈદ કુરેશીની કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી રોનક ઠક્કરને ચેક બાઉન્સની ફરિયાદમાં આરોપી ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ફરિયાદીને ૩.૯૦ લાખ રૂપિયા વળતર તરીકે ૯૦ દિવસમાં ચુકવી આપવાનો આદેશ કર્યો હતો.