કાશ્મીર અને લદ્દાખ અમારા,નકશો બદલ્યો તો મજા નહીં આવે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026  |   4257

સદીઓથી સમગ્ર વિશ્વમાં ભણાવવામાં આવતા અને ઓફિસોમાં વપરાતા પૃથ્વીના નકશામાં હવે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવવા જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA))એ વિશ્વના તમામ ખંડોના સાચા અને વાસ્તવિક ક્ષેત્રફળને દર્શાવતા નવા નકશાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ભારતે આ વૈશ્વિક પહેલની તરફેણમાં મતદાન કરીને પ્રસ્તાવને ટેકો આપ્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપી છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખ સહિતના ભારતના સાર્વભૌમ ક્ષેત્રોનું નિરૂપણ દેશના સત્તાવાર નકશા મુજબ જ થવું જાેઈએ અને કોઈપણ ભ્રામક ચિત્રણ ચલાવી લેવાશે નહીં. વિશ્વભરમાં હાલ સૌથી વધુ જે નકશો ચલણમાં છે તે ૧૬મી સદીમાં બનેલા મર્કેટર પ્રોજેક્શન પર આધારિત છે. આ જૂના નકશામાં ઉત્તરીય ગોળાર્ધના પશ્ચિમી દેશો વાસ્તવિકતા કરતાં ઘણા મોટા દેખાય છે, જ્યારે આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા વિસ્તારો નાના નજરે પડે છે. આ અસમાનતા દૂર કરવા આફ્રિકન દેશોની આગેવાની હેઠળ ચાલેલી વૈશ્વિક મુહિમ અંતર્ગત ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ UNGAમાં કરેક્ટ ધ મેપ: રીબેલેન્સિંગ ગ્લોબલ કાર્ટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન એન્ડ પ્રમોટિંગ ઇક્વિટેબલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ વર્લ્ડ્સ રીજન, પર્ટીક્યુલર્લી આફ્રિકા શીર્ષક હેઠળનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસ્તાવ મર્કેટર પ્રોજેક્શન પર સીધો પ્રતિબંધ નથી મૂકતો કે ન તો કોઈ નકશો બળજબરીથી થોપે છે, પરંતુ તે સરકારો, શાળાઓ, વૈશ્વિક સંસ્થાઓ અને ટેક કંપનીઓને ઇક્વલ અર્થ પ્રોજેક્શન જેવા સંતુલિત નકશાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. ભારતે આ ઠરાવના પક્ષમાં મતદાન કર્યું હોવા છતાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે દેશની સરહદો અંગે ભારતનું સત્તાવાર વલણ દ્રઢતાથી રજૂ કર્યું હતું, “ભારતે પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું અને સમાન ક્ષેત્રફળ આધારિત ભૌગોલિક નિરૂપણના સિદ્ધાંત પર ભાર મૂકતા મતની વિગતવાર સમજૂતી આપી. અમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઠરાવ કોઈપણ ચોક્કસ નકશા, પ્રોજેક્શન કે રાષ્ટ્રીય સરહદોના ચિત્રણનું સમર્થન કરતો નથી. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ભારતનું સાર્વભૌમ ક્ષેત્ર ભારતના સત્તાવાર નકશા અનુસાર જ દર્શાવવું અનિવાર્ય છે. કોઈપણ અચોક્કસ કે ભ્રામક ચિત્રણ અસ્વીકાર્ય છે. ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર અમારું વલણ સ્પષ્ટ, સતત એકસમાન અને કોઈ પણ સંજાેગોમાં બાંધછોડ ન કરનારું છે.” — રણધીર જાયસ્વાલ (પ્રવક્તા, વિદેશ મંત્રાલય)સ્ઈછ પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે, આ ઠરાવનો મુખ્ય હેતુ ખંડોના વાસ્તવિક કદનું સંતુલન જાળવવાનો છે. તે કોઈપણ ચોક્કસ નકશાને પ્રમાણિત કરતો નથી કે આંતરરાષ્ટ્રીય સરહદો, વિવાદિત વિસ્તારો કે સ્થળોના નામો જેવા રાજકીય નકશાના વિષયો સાથે તેને કોઈ સંબંધ નથી. તેથી કોઈપણ પ્લેટફોર્મ ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે છેડછાડ કરી શકે નહીં.આ ઠરાવ માત્ર નકશો બદલવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એ વાત શીખવવા પર પણ ભાર મૂકે છે કે ગોળાકાર પૃથ્વીને સપાટ કાગળ કે સ્ક્રીન પર દર્શાવતી વખતે કેવી ભૌગોલિક મર્યાદાઓ સર્જાય છે. 


શું યુએનનો ર્નિણય દરેકને લાગુ પડશે?

યુએન જનરલ એસેમ્બલીનો આ ઠરાવ કાયદેસર રીતે બંધનકર્તા નથી. એટલે કે, તે દેશો, શાળાઓ, પુસ્તક પ્રકાશકો અથવા ટેક કંપનીઓને મર્કેટર નકશો દૂર કરવા દબાણ કરતું નથી.પરંતુ તે નકશા બનાવવા અને શિક્ષણ આપવાની પદ્ધતિઓને પ્રોત્સાહન આપી શકે છે જે દેશો અને ખંડોના વાસ્તવિક ક્ષેત્રને વધુ સચોટ રીતે પ્રતિબિંબિત કરે છે. મર્કેટર નકશાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કોઈ હાકલ નથી. દિશાઓ સચોટ રીતે જાળવવાની તેની ક્ષમતાને કારણે તેનો ઉપયોગ દરિયાઈ અને હવાઈ નેવિગેશનમાં ચાલુ રહી શકે છે.


ભારતે શા માટે વાંધો ઉઠાવ્યો 

ભારત આ નવા યુએન નકશા સામે વાંધો ઉઠાવતું નથી. ભારતે સમાન ક્ષેત્રના નકશા માટેના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. તે ભારતના પ્રદેશને ખોટી રીતે દર્શાવવાની શક્યતા અંગે છે.વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ દરખાસ્ત કોઈપણ ચોક્કસ નકશા, નકશા બનાવવાની પદ્ધતિ અથવા રાષ્ટ્રીય સીમાઓને સમર્થન આપતી નથી. તેથી, ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ સહિત ભારતના સમગ્ર સાર્વભૌમ પ્રદેશને ભારતના સત્તાવાર નકશા અનુસાર દર્શાવવો જાેઈએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution