/
કીવી ટીમે કેરેબિયન ટીમને ધોઇ નાખી, પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરનારને બીજીમાં ફોલોઓનનું જોખમ

નવી દિલ્હી 

પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ક્રિકેટ ટેસ્ટમાં રમી રહી છે. પ્રથમ ટેસ્ટમાં ફોલોઓન થયા બાદ ઇનિંગ્સના પરાજયનો સામનો કરનારી કેરેબિયન ટીમ સામે આ મેચમાં પણ ફોલોઓનનું જોખમ આવી ગયું છે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાતી બીજી ટેસ્ટમાં બીજા દિવસે ન્યૂઝીલેન્ડના 460 રનના સ્કોર સામે રમતા વેસ્ટ ઇન્ડિઝે દિવસની રમતને અંતે 124 રનના સાવ સામાન્ય સ્કોરમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. આમ વેસ્ટ ઇન્ડિઝની ટીમ હજી પણ 336 રન પાછળ છે અને તેની બે જ વિકેટ જમા છે.

ન્યૂઝીલેન્ડે શનિવારે સવારે છ વિકેટે 294 રનના સ્કોરથી તેનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. હેનરી નિકોલસે 174 રન ફટકાર્યા હતા તો નીલ વેગનરે 42 બોલમાં અણનમ 66 રન ફટકાર્યા હતા જેમાં ચાર સિક્સર અને આઠ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. બંનેએ નવમી વિકેટ માટે 95 રન ઉમેર્યા હતા. નિકોલસ આઉટ થયો ત્યાર બાદ ન્યૂઝીલેન્ડનો દાવ ઝડપથી પૂરો થઈ ગયો હતો. તેણે 280 બોલ રમીને 21 ચોગ્ગા અને એક સિક્સર સાથે 174 રન ફડકાર્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝની ટીમનો પ્રારંભ જ કંગાળ રહ્યો હતો. ઓપનર ક્રેગ બ્રાથવેટ ખાતું ખોલાવી શક્યો ન હતો. આવી જ રીતે રોસ્ટન ચેઝ પણ શૂન્ય પર આઉટ થયો હતો. ટીમના 124 રનમાં માત્ર ત્રણ જ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શકયા હતા. પ્રથમ ટેસ્ટમાં લડાયક બેટિંગ કરનારા જેરેમાઇન બ્લેકવૂડે આ મેચમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તેણે લડત આપીને 92 બોલમાં 69 રન ફટકાર્યા હતા જેમાં 11 બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો. જોકે સામે છેડેથી તેને કોઈ બેટ્સમેનનો સહકાર સાંપડ્યો ન હતો.

આ તરફ ન્યૂઝીલેન્ડની બોલિંગ એટલી જ કાતીલ રહી હતી. કાયલ જેમિસને વેધક બોલિંગ કરીને 34 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી તો ઝડપી બોલર ટિમ સાઉથીએ પ્રારંભમાં હરીફ ટીમને આધાત આપીને 29 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સિરીઝની પહેલી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો ઇનિંગ્સથી વિજય થયો હતો. આ મેચમાં હજી ત્રણ દિવસ બાકી છે ત્યારે આ વખતે પણ તેના ઇનિંગ્સના વિજયની શક્યતા રહેલી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution