આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા વારંવાર કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. જે અનુસંધાને ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર ધરાવતાં જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા જાહેરનામાંથી સૂચના બહાર પાડવામાં આવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કન્ટેઇનમેઇન્ટ વિસ્તારોમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

તદ્દનુસાર આણંદ તાલુકા અંતર્ગત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલાં નહેરૂબાગ વ્રજ બંગ્લોઝના ૪ મકાનનો વિસ્તાર, વાસદ ગ્રામપંચાયત હદ વિસ્તારમાં આવેલાં મિલનકુંજ સોસાયટીના ૫૦ મકાનનો વિસ્તાર, બોરસદ તાલુકા અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલાં લક્ષ્મીનગર સોસાયટીનું ૧ મકાનનો વિસ્તાર, નર્વાદાભાઈ શ્રી ફાર્મ હાઉસનું ૧ મકાનનો વિસ્તાર, મોટી ગોલવાડના ૩ મકાનનો વિસ્તાર અને પવન એપોર્ટમેન્ટના ૧ મકાનના વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલું રાખી શકાશે. આ હુકમ તા.૨૬ નવેમ્બરથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જાેગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ આઈપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

નડિયાદની ૪ સોસાયટી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, ગ્રામ્ય વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના કેસના પગલે વિવિધ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયાં છે. જેમાં નડિયાદ ઉપરાંત મહેમદાવાદ, ડાકોર, કઠલાલ, માંકવા, નિરમાલી, સણસોલી સહિતના ગ્રામ્યનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે, જેને પગલે કન્ટેન્ટમેન્ટ ઝોન પણ વધી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૦૭ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં નડિયાદના સૌંદર્ય વિલા, પારેખની ખડકી, અક્ષર ટાઉનશીપ, અવધુત પાર્ક, આદર્શ કોલોની વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારમાં મહેમદાવાદ, માંકવાના રામનગર, સણસોલી, ઘોડાલી, મોદજ, ડાકોરના શહિદ પોળ વિસ્તાર, નિરમાલીના સરદાર ચોક વિસ્તાર, કઠલાલના પીઠાઇનો સમાવેશ થાય છે.