મુંબઇ 

વરિષ્ઠ સિંગર કુમાર સાનુનો દીકરો જાન કુમાર હાલમાં 'બિગ બોસ 14'ના ઘરમાં સ્પર્ધક તરીકે જોવા મળે છે. પોતાના હસમુખા સ્વભાવને કારણે ચાહકોમાં તે જાણીતો બન્યો છે. ઘરમાં પણ જાન કુમારે પોતાના કેટલાંક મિત્રો બનાવી લીધા છે. ઘરની અંદર જાન કુમારે અંગત વાતો કરી હતી. હાલના જ એપિસોડમાં જાન કુમારે પોતાના જીવનની દુઃખભરી વાત શૅર કરી હતી. તેણે પોતાના પેરેન્ટ્સના ડિવોર્સ અંગે કહ્યું હતું. 

જાસ્મીન ભસીન, સારા ગુરપાલ તથા અન્ય સ્પર્ધકો સાથેની વાતચીતમાં જાન કુમારે કહ્યું હતું, 'મારા માટે મારી માતાએ જ પેરેન્ટ્સની ભૂમિકા ભજવી હતી. તે મારા માટે માતા તથા પિતા બંને છે. જ્યારે મારી માતા છ મહિનાની પ્રેગ્નન્ટ હતી ત્યારે પિતા છોડીને જતા રહ્યા હતા.'

'બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. નાનપણથી લઈ અત્યાર સુધીનું મારું જીવન માત્ર માતાની સાથે જ વીતવ્યું છે. મારા ઉછેરમાં પિતાનો હાથ બિલકુલ નથી. 'બિગ બોસ'માં એન્ટ્રી કરતાં પહેલા મારી માતાને એ વાતની ચિંતા હતી કે મારો ખ્યાલ કોણ રાખશે.' જાન કુમાર પોતાની માતા રીટાની સાથે રહે છે. કુમાર તથા રીટાના 1994માં ડિવોર્સ થયા હતા. ડિવોર્સ બાદ કુમારે સલોની સાહુ સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. જાને 2016માં યુટ્યૂબ પર પિતાનું હિટ ગીત 'દિલ મેરા ચુરાયા' ગાયું હતું. આ વીડિયોને પાંચ મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હતા. 

જાન કુમારનો જન્મ 16 એપ્રિલ, 1994માં કોલકાતામાં થયો હતો. તેનું સાચું નામ જયેશ ભટ્ટાચાર્ય છે. જાન કુમાર ત્રણ વર્ષની ઉંમરથી સિંગિંગ કરી રહ્યો છે. તેણે ક્લાસિકલ ટ્રેનિંગ પણ લીધી છે. તેણે સ્કૂલિંગ મુંબઈની માણેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાંથી કર્યું છે. તેણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.