/
કોન્ટ્રાકટ રિન્યુ નહીં થતાં કોલ્ડરૂમમાં મૃતદેહ માટે જગ્યાનો અભાવ

વડોદરા : વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં અજાણ્યા તેમજ બિનવારસી મૃતદેહોના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હોસ્પિટલના કોલ્ડરૂમમાંથી ડેડબોડીઓનો કાનૂની રાહે નિકાલ ન થતાં અન્ય વ્યક્તિઓના મૃતદેહો મુકવા માટેની સમસ્યા સાથે ભરાવો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી સયાજી હોસ્પિટલમાં શહેર-જિલ્લા સહિત રાજ્ય બહારના દર્દીઓ વિવિધ રોગની સારવાર માટે આવે છે. ખાસ કરીને અકસ્માતમાં ઈજા પામેલ તેમજ અજાણ્યા તેમજ બિનવારસી દર્દીઓને સારવાર માટે લાવવામાં આવે છે. ત્યારે આ દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામે છે. તેવા સંજાેગોમાં બિનવારસી તેમજ અજાણી વ્યક્તિઓના કાનૂની રાહે પોસ્ટ મોર્ટમ કરાયા બાદ મૃતદેહોના નિકાલ માટે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કોન્ટ્રાકટર દ્વારા અજાણી વ્યક્તિઓના મૃતદેહને કાનૂની રાહે નિયમિત રીતે નિકાલ કરવામાં આવે છે. પરંતુ હાલ ડેડબોડીના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ ગત તા.૩૧મી મેના રોજ પૂર્ણ થયો હોઈ હોસ્પિટલના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો નથી કે અન્ય કોન્ટ્રાકંટ આપવા માટેની કાર્યવાહી કરી નથી. જેના કારણે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૃતદેહોનો નિયમિત રીતે નિકાલ થતો ન હોવાથી ભરાવો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, અન્ય દર્દીઓના પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ મુકવાની પણ મુશ્કેલી સર્જાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. મેડિકો લીગલ ઓફિસરો દ્વારા મૃતદેહોના ઝડપથી નિકાલ થાય એ માટે બૂમો પાડી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution