દિલ્હી-

પોતાનો નાનો-મોટો વેપાર ધરાવતા બિઝનેસમેનો માટે નિયત સમયમાં જીએસટી રીટર્ન ભરવું ફરજીયાત થઈ ગયું છે, પરંતુ સરકારે તેમાં રાહત આપી છે. કેન્દ્ર સરકારે જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત વધારી છે. આ જોતાં હવે 2019-20નું વાર્ષિક રિટર્ન 31 માર્ચ સુધી ભરી શકાશે. યાદ રહે કે, સરકારે બીજી વખત આ રીતે મુદત વધારીને એકસટેન્શન આપ્યુ છે. નાણાંમંત્રાલય દ્વારા સોમવારે સતાવાર રીતે જાહેર કરાયું છે કે, પહેલા 28મી ફેબ્રુઆરી સુધીની મર્યાદા હતી, પરંતુ સેંકડો કરદાતાઓ જીએસટીઆર-9 તથા જીએસટીઆર-9સી રિટર્ન સમયસર ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું સરકારના  ધ્યાનમાં આવ્યું હતું અને ત્યારબાદ આ તારીખ લંબાવી દેવામાં આવી છે.

જીએસટીઆર-9 વાર્ષિક રિટર્ન છે, જે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ કરદાતાઓએ વાર્ષિક ધોરણે ભરવાનું હોય છે. વેપારીઓ જે માલની લે-વેચ કરે તેની આવક-જાવકના આંકડા તેમાં દર્શાવવાના હોય છે. જીએસટીઆર-9સીનું ઓડીટ કરેલું સ્ટેટમેન્ટ અને જીએસટીઆર-9નું પુરક હોય છે.બજારના નિષ્ણાંતોએ કહ્યું હતું કે સરકારના આ કદમથી હજારો કરદાતાઓને તથા કરવેરા ધંધાદારીઓને પણ રાહત થાય તેમ છે. સરકાર સમક્ષ મુદત વધારો આપવા પ્રબળ માંગ હતી. બે કરોડ રૂપિયાથી અધિકનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે જીએસટીઆર 9 ફરજીયાત હોય છે.