વડોદરા, તા.૫ 

વડોદરા તાલુકાના અંકોડિયા ગામના ઉત્સાહી સરપંચ દ્વારા ગામને ગોકુળિયું અને હરિયાળું બનાવવા માટે વિવિધ યોજનાઓ હાથ ધરાતી રહે છે તે મુજબ તાજેતરમાં પ્રોમિસ યોજનાને અમલી બનાવવા આહ્નવાન કરતાં ગ્રામજનોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો.

અંકોડિયા ગ્રામ પંચાયતના વિકાસ માટે રાત-દિવસ પ્રયત્નશીલ સરપંચ ઉલ્પેશ પટેલ સરકારી યોજનાના અમલીકરણ માટે પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં અંકોડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રોમિસ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ગામને હરિયાળું બનાવવા આયાશ કરવામાં આવશે. સરપંચ ઉલ્પેશ પટેલના કહેવા અનુસાર ગામમાં વધુ વૃક્ષ વાવીએ તો સમૃદ્ધિ આપોઆપ આવે જ, તેથી જા ગ્રામજનો વૃક્ષ વાવશે અને તેને માટે ટ્રી ગાર્ડ (પાંજરું) લગાવશે તો તેનો ખર્ચ પંચાયત ભોગવશે અને આ યોજનાની તમામ જવાબદારી પણ ગ્રામ પંચાયતની જ રહેશે. વૃક્ષ પણ એમ કહેતું હોય છે કે મારે મોટું થવું છે આવી વાત કરતાં ગ્રામજનો પણ સહમત બન્યા છે. નોંધનીય છે કે અંકોડિયા ગ્રામ પંચાયતને સાંસદ રંજનબેન ભટ્ટે દત્તક લીધું છે.