ચમોલી-

ઉત્તરાખંડ પર રવિવારે સવારે ત્રાટકેલી આપત્તિ બાદ ધસી ગયેલા પહાડના પથ્થરો, માટી, વૃક્ષો કે અન્ય કાટમાળ નીચે ફસાઈ ગયેલા તેમજ અન્ય ક્ષેત્રોમાં વિખૂટા પડી ગયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્યમાં આટીબીપી, એનડીઆરએફ અને સેનાની ટૂકડીઓ સામેલ છે, તેમજ કેટલાંક સ્થાનિક કાર્યકરો પણ કામે લાગી ગયા છે. 

ચમોલી પોલીસે ટ્વિટર પર એક સંદેશ લખીને જણાવ્યું હતું કે, એક ટનલમાં ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે જેસીબીની મદદ લેવાઈ છે અને રસ્તો ખોલવાનો પ્રયાસ  થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જુદા જુદા સ્થળેથી 14 જેટલા મૃતદેહો મળી આવ્યા છે. ગઈકાલે એટલે કે રવિવારે આઈટીબીપી દ્વારા 12 જણાને એક ટનલમાંથી બચાવી લેવાયા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે એક બીજી ટનલમાં કેટલાંક લોકો ફસાયા હોવાની માહિતી મળી છે અને આઈટીબીપીના જવાનો તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને કહ્યું હતું કે, હજી 170 જેટલા લોકોની ભાળ મળતી નથી. આ તમામને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજીબાજુ, સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ભારતને મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સંસ્થાના મહાસચિવે ઉત્તરાખંડની આપત્તિ પર દુઃખ  વ્યક્ત કરીને મદદ માટે હાથ લંબાવ્યો હતો.