દિલ્હી-

સાઉદી અરબમાં બે પવિત્ર મસ્જિદના અભિરક્ષક કિંગ સુલેમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદના આમંત્રણના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21-22 નવેમ્બર 2020ના રોજ યોજાનારી 15મી G20 શિખર મંત્રણામાં ભાગ લેશે. સાઉદી અરબના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ શિખર મંત્રણાની થીમ "સૌના માટે 21મી સદીની તકો સાકાર કરવી" રાખવામાં આવી છે. આ બેઠકનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે.

આ શિખર મંત્રણા વર્ષ 2020ની G20 નેતાઓની બીજી બેઠક હશે. પ્રધાનમંત્રી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે થયેલા ટેલિફોનિક વાર્તાલાપના પગલે, ગત G20 નેતાઓની અસાધારણ શિખર મંત્રણા માર્ચ 2020માં યોજવામાં આવી હતી જેમાં નેતાઓએ કોવિડ-19 મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે મદદરૂપ થવા માટે G20 દેશોમાં સમયસર સમજણ કેળવી હતી અને વૈશ્વિક સહકારનો પ્રતિભાવ આગળ ધપાવ્યો હતો. 

આ G20 શિખર મંત્રણામાં કોવિડ-19 રોગચાળામાંથી સમાવેશક, સ્થિતિસ્થપક અને ટકાઉક્ષમ રીતે સાજા થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. G20 શિખર મંત્રણા દરમિયાન, નેતાઓ મહામારી અંગેની તૈયારીઓ અને નોકરીઓ પુનઃસ્થાપિત કરવા માટેની વિવિધ રીતો અને માધ્યમો પર ચર્ચા કરશે. આ નેતાઓ સહિયારા, ટકાઉક્ષમ અને અનુકૂળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે પોતાની દૂરંદેશીના અભિપ્રાયોનું આદાનપ્રદાન કરશે.